50 વર્ષ પહેલાં ઇદી અમીને બળજબરીથી વતનમાંથી દૂર કરાયા પછી યુગાન્ડાથી યુવાન વયે શરણાર્થી બનીને યુકે આવીને સફળ કારકિર્દી બનાવનાર ત્રણ પ્રેરણાદાયી બ્રિટિશ એશિયન નેતાઓએ એશિયન બિઝનેસ એવોર્ડ સમારોહમાં – પર્લ ઑફ યુગાન્ડા એવોર્ડ સામારોહ વખતે યોજાયેલ પેનલ ડિસ્કસન દરમિયાન પોતાની સફર દરમિયાન સહન કરેલા “માનસિક આઘાત” વિશે વાત કરી હતી.

ફેન્ચર્ચ એડવાઈઝરીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ મલિક કરીમ, યુગાન્ડાના ફોરેન સેક્રેટરીના રાજદૂત ડૉ. મુમતાઝ કાસમ અને રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. નિકેશ કોટેચાએ આ પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો.

યુગાન્ડાના ફોરેન સેક્રેટરીના રાજદૂત ડૉ. મુમતાઝ કાસમે જાહેર કર્યું હતું કે તેમના પિતાએ યુગાન્ડાના નાગરિક બનવા માટે અગાઉ તેની બ્રિટિશ નાગરિકતાનો ત્યાગ કર્યો હોવા છતાં તેમના માતાપિતા અને ભાઈ-બહેનોને યુગાન્ડા છોડવાની ફરજ પડી હતી. તેમણે જણાવ્યું હતું કે “અમને લાગ્યું હતું કે હકાલપટ્ટી અમને લાગુ પડશે નહીં, પરંતુ કમનસીબે, તેમણે તમામ એશિયનોને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો. આજુબાજુ ઘણી અંધાધૂંધી હતી, આઘાતની ઘણી લાગણી હતી, અમે નાના બાળકો હોવાથી ખૂબ જ પરેશાન હતા. અમારા માતાપિતાએ ખૂબ જ મુશ્કેલ સમય પસાર કર્યો હતો. અમે દસ ભાઇ બહેનો હતા અને નાના હોવાથી અમારી બ્રિટિશ નાગરિકતા પાછી મેળવી શક્યા ન હોવાથી અમારો પરિવાર અલગ થઈ ગયો હતો. જ્યારે મારા મોટા ભાઈ-બહેનો નાગરિકતા મેળવી શક્યા હતા. મારા માતાપિતા શરણાર્થીઓ તરીકે માલ્ટામાં સેટલ્ડ થયા હતા. અમને બ્રિટન દ્વારા અનુકંપાનાં ધોરણે સ્વીકારવામાં આવ્યા પછી અમને પરિવાર તરીકે એક થવામાં બે વર્ષ લાગ્યાં હતા.’’

ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા બ્રિટિશ રેડ ક્રોસ સાથે નજીકથી કામ કરતા ડૉ. નિક કોટેચાએ યુગાન્ડા છોડ્યા પછી તેમના પરિવાર સાથે કઇ રીતે જોડાયા તે અંગે વાત કરતાં જણાવ્યું હતું કે “ત્યારે હું માત્ર છ વર્ષનો હતો. ત્રણ બાળકો સાથે મારી માતા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. મારા પિતા પાસે યુગાન્ડાનો પાસપોર્ટ હતો. મારી માતા છ, ચાર અને બે વર્ષના ત્રણ નાના બાળકો સાથે યુકે આવી હતી. શરણાર્થી શિબિરમાં રહેતી અને ઇંગ્લિશ ન બોલી શકતી માટે ફરીથી પોતાના જીવનની શરૂઆત કરી હતી. તે અતિ મુશ્કેલ સમય હતો. સદભાગ્યે, તે રેડ ક્રોસ જ હતું, જેણે મારા પિતાને યુગાન્ડામાંથી બહાર કાઢ્યા હતા અને તેમને ઑસ્ટ્રિયાના શરણાર્થી શિબિરમાં મોકલ્યા હતા. ત્યાર પછી આગા ખાન જ મારા પિતાને ઓસ્ટ્રિયાથી યુકે લાવ્યા હતા અને અમે નવ મહિના પછી ભેગા થયા હતા. રેડ ક્રોસે ખરેખર મારા જીવનને આકાર આપ્યો હતો. મેં 30 વર્ષ પહેલાં એક ગેરેજમાંથી મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ નામનો નાનો બિઝનેસ શરૂ કર્યો હતો, જે આજે એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની બની છે. ખૂબ જ શરૂઆતથી હું તે આંતરરાષ્ટ્રીય સહાય કાર્યક્રમનો ભાગ બનવા માંગતો હતો જેથી અમે કેવી રીતે પાછુ આપી શકીએ.”

ફેન્ચર્ચ એડવાઈઝરીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ મલિક કરીમે શરણાર્થી શિબિરમાં જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરતાં કહ્યું હતું કે મને ખૂબ જ ઝડપથી મોટા થવું હતું પણ તેમણે એ સુંદરતાને પણ યાદ કરી હતી કે કેવી રીતે વિવિધ પૃષ્ઠભૂમિના એશિયનો એકબીજાને ટેકો આપવા માટે ભેગા થયા હતા. મને એક બાબત ખાસ યાદ રહી તે છે શાંતિ અને સુલેહની. તમામ આઘાત છતાં, અમારી પાસે હિંદુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ સાથે હતા. અમે ખૂબ જ શાંતિથી સાથે રહેતા હતા, કેટલાક અદ્ભુત સ્વયંસેવકો દ્વારા ટેકો મળ્યો હતો, અને ખરેખર અમારી સંભાળ રાખનારા વહીવટકર્તાઓ હતા. અમને તે જોઈને ખરેખર સારું લાગ્યું હતું કે દરેક વ્યક્તિ ખરેખર સારી રીતે અમારી સાથે છે.’’

જ્યારે 40,000 લોકોના નાના સમુદાયને આ દેશ કેમ ગમ્યો તે પૂછવામાં આવતાં કરીમે કહ્યું હતું કે “મને લાગે છે કે આર્થિક સુરક્ષા. જ્યારે તમે બધું ગુમાવ્યું હોય, ત્યારે તમને ભય અને અસુરક્ષા હોય છે. અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો, અમારે શિક્ષણ મેળવવું હતું. અમારે લાયકાત મેળવવી હતી. અમારે જીવનમાં કંઈક બનવું હતું. અમે શરણાર્થી શિબિરોમાં શરૂઆત કરી હતી, અમને દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવ્યા હતા અને લેસ્ટર જેવા હબમાં કાઉન્સિલ હાઉસિંગમાં સ્થાયી થયા હતા. અમારે અમારી રીતે લડવું પડ્યું હતું, ત્યાં કોઈ પ્લાન બી ન હતો. અને આ પ્રકારની વાર્તાઓ યુગાન્ડાના એશિયનો માટે ખૂબ જ પ્રચલિત છે.”

LEAVE A REPLY

twelve − 3 =