The whole of the UK froze
(Photo by Finnbarr Webster/Getty Images)

સમગ્ર દેશમાં આકરી હાડ થીજાવતી ઠંડી સાથે બર્ફીલા રોડ અને કેટલેક સ્થળે હિમવર્ષાના કારણે સોમવારે તા. 16ની રાત્રે આખું યુકે થીજીને ત્રસ્ત થઇ ગયું હતું. બરફ, આઇસી રોડ અને તેજ પવનને કારણે મંગળવારે સવારથી જ વિવિધ શહેરો અને નગરોમાં મુસાફરી કરતા લોકો માટે અરાજકતા સર્જાઈ હતી. આ અઠવાડિયે આત્યંતિક ઠંડી પડશે તેવી આગાહી સાથે દેશના અમુક વિસ્તારોમાં તાપમાન -11C જેટલું નીચું ઘટી જશે એવી આગાહી કરાઇ હતી. સમરસેટમાં A39 પર એક ડબલ-ડેકર બસ પલટી ખાઇ જવાના સમાચાર સાથે બર્ફીલા આઇસી રોડ અને સ્નોથી છવાયેલા રસ્તાઓ પર અંધાધૂંધી સર્જાઇ છે. માત્ર કોર્નવોલમાં જ 100થી વધુ વાહનો બરફના કારણે સરકી જવાથી અકસ્માત થયા હોવાના બનાવો નોંધાયા છે.

મેટ ઓફિસે સમગ્ર સાઉથ અને નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડ તથા નોર્થ વેલ્સના ભાગો, નોર્ધર્ન આયર્લેન્ડ અને નોર્થ સ્કોટલેન્ડના મોટા ભાગોમાં બરફ અને આઇસ માટે યલો વોર્નીંગ આપી છે. તો બીજી તરફ યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)એ સોમવારે ‘તીવ્ર ઠંડીના કારણે લેવલ થ્રી કોલ્ડ એલર્ટ જારી કર્યું હતું.

યુકે હેલ્થ એન્ડ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ લોકોને ઘણા બધા પાતળા લેય ધરાવતા કપડા પહેરવા અને પુષ્કળ ગરમ પીણાં પીવા માટે વિનંતી કરી હતી. લોકોને આગામી દિવસોમાં ભારે ઠંડી હોવાના કારણે કુટુંબના નાદુરસ્ત અને બીમાર સભ્યો, મિત્રો અથવા પડોશીઓનું ધ્યાન રાખવા અને તેમની તપાસ કરતા રહેવા જણાવ્યું હતું.
લંડનના મેયર સાદિક ખાને લંડનમાં તાપમાન રાતોરાત 0C ની નીચે જવાની ધારણા હોવાના કારણે સોમવારે રફ સ્લીપર્સ માટે કટોકટી આવાસ આપવા માટે સિવિયર વેધર ઇમરજન્સી પ્રોટોકોલ (SWEP)ને સક્રિય થવા આદેશ આપ્યો હતો.

મેટ ઑફિસના મુખ્ય હવામાનશાસ્ત્રી જેસન કેલીએ જણાવ્યું હતું કે ‘આ અઠવાડિયે ઠંડી, બર્ફીલા રોડ અને ક્યારેક બરફની સ્થિતિની આગાહી કરવામાં આવી છે. યુકેમાં

નોર્થ વેસ્ટના વિસ્તારોમાં સ્થિતી કપરી બની શકે છે અને સરેરાશ સામાન્ય કરતા તાપમાન ઘણું ઓછું છે. નોર્થ ઈંગ્લેન્ડમાં અઠવાડિયા દરમિયાન શિયાળાના વરસાદની શક્યતા છે. આ અઠવાડિયે મોટાભાગની રાતો દરમિયાન સામાન્ય કરતા તાપમાન વધારે ઠંડું રહેશે અને મહત્તમ તાપમાન મોટાભાગે સિંગલ આંક સુધી પહોંચશે.’

હવામાન કચેરીએ જણાવ્યું છે કે શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી સમગ્ર ઈંગ્લેન્ડમાં ઠંડીનું વાતાવરણ ચાલુ રહેશે. તો સમગ્ર સાઉથ ઇંગ્લેન્ડમાં બરફ માટે મંગળવારે સવારે 10 વાગ્યા સુધી યલો એલર્ટ જારી કરાઇ હતી.
ટોપક્લિફ, નોર્થ યોર્કશાયરમાં તાપમાન માઈનસ 9.8C (14.36F) જેટલું નીચું ગયું હતું અને, કોર્નવોલ સહિત સાઉથ

વેસ્ટ ઇંગ્લેન્ડના ભાગોમાં ભારે હિમવર્ષા થઈ હતી. સ્કોટલેન્ડના ડમફ્રાઈસ અને ગેલોવેના એસ્કડેલેમુઈરમાં માઈનસ 8.7C (16.34F), નોર્ધર્ન આયર્લૅન્ડના કાઉન્ટી ડાઉનમાં કેટ્સબ્રિજમાં માઈનસ 8.4C (16.88F) અને સેનીસબ્રિજ, વેલ્સમાં માઈનસ 7.7C (18.14F) તાપમાન નોંધાયું હતું. સાઉથ વેલ્સ અને યોર્કશાયરમાં અનુક્રમે -8C અને -9C જેટલું નીચું ઠંડું તાપમાન રહ્યું હતું અને આગામી થોડા દિવસોમાં તાપમાન -11C જેટલું નીચું જઈ શકે છે.

મંગળવારે સવારે 6 વાગ્યે સમરસેટના A39 પર ક્વોન્ટોક રોડ ખાતે એક ડબલ ડેકર બસ 80 જેટલા બાંધકામ કામદારોને નજીકના હિંકલી પોઈન્ટ સી ન્યુક્લિયર પાવર સ્ટેશન તરફ લઈ જઈ રહી હતી ત્યારે આઇસી રોડના કારણે એક મોટરસાઈકલ સાથે અથડાઈ હતી અને ઉંધી વળી ગઇ હતી. એવોન અને સમરસેટ પોલીસના ઈન્સ્પેક્ટર રેબેકા વેલ્સ-કોલે પુષ્ટિ કરી હતી કે ઘટનાસ્થળે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ઘટનાસ્થળે 54 લોકોની તપાસ કરી 26 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માતને કારણે સમરસેટમાં કેનિંગ્ટન નજીક A39 ક્વોન્ટોક રોડ સહિત અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

M25 ક્લેકેટ લેન સર્વિસ પછી તુરંત જ એક કાર ઝાડ સાથે અથડાઇ જતા મોટરવે બ્લોક થવાના કારણે વાહનોના ડ્રાઇવરોને M25 પર 3 માઇલ લાંબી કતારનો સામનો  કરવો પડ્યો હતો. ટ્રાફિક સાઇટ ઇનરિક્સે શેર કર્યું હતું કે તા. 17ની સવારના 7.55 વાગ્યાથી જંક્શન 6 A22 (ગોડસ્ટાઇન) અને જંક્શન 5 (M26) વચ્ચે રસ્તો બંધ રહ્યો હતો. જો કે પછીથી તમામ ચાર લેન ફરીથી ખોલવામાં આવી હતી પોલીસ, હવામાન નિષ્ણાંતો અને ઇન્સ્યોરંશ કંપનીઓએ લોકોને ‘અત્યંત બર્ફીલી અને ખતરનાક’ પરિસ્થિતિઓની ચેતવણી આપી ‘એકદમ આવશ્યક’ ન હોય ત્યાં સુધી મુસાફરી ન કરવા વિનંતી કરી છે.

મંગળવારે સવારે બરફ અને સ્નોથી ઢંકાયેલા રસ્તાઓને કારણે પહેલા પાંચ કલાકમાં જ એકલા એવન અને સોમરસેટમાં રોડ-સંબંધિત ઘટનાઓના 100થી વધુ અહેવાલો મળ્યા હતા. સોમવારે સાંજે 6થી 11ની વચ્ચે કુલ 53 રોડ ટ્રાફિક અક્સમાતોની પોલીસને જાણ કરાઇ હતી. જેમાં સાતને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને રસ્તા સંબંધિત અન્ય ઘટનાઓ માટે વધુ 67 કોલ આવ્યા હતા. હજારો લોકોને મુસાફરી કરવામાં અરાજકતાનો સામનો કરવો પડ્યો હતો.

ડેવોનમાં A30 ના એક વિભાગને બંધ કરાતા હજારો ડ્રાઇવરોને અસર થઈ હતી. કેન્ટમાં એક ટ્રક લપસી જતા બંને દિશામાં ટ્રાફિક બંધ થઈ ગયો હતો. એડલસ્ટનમાં કાદવ ટ્રેનના પાટા પરથી વહેતો જોવા મળ્યો હતો. ન્યુક્વેના કારલેન્ડ ક્રોસ નજીક A30 રોડ બરફના કારણે અવરોધાયો હતો. મંગળવારે સવારે 4.30 પહેલા કોર્નવોલ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે ટ્વિટ કર્યું હતું કે ટ્રિસપેન ખાતે A39 અને બ્યુગલ ખાતે A391 પર વાહનો બરફમાં ફસાયા હતા.

ડ્રાઇવિંગની સ્થિતિ સુધારવા માટે સ્થાનિક સત્તાવાળાઓ અને નેશનલ હાઇવેઝ ઓથોરીટી સાથે કામ કરી રહ્યા છે.
મેટ ઑફિસે ચેતવણી આપી હતી કે ‘બરફના વરસાદ અને બર્ફીલા રોડ પર થોડો વિક્ષેપ આવી શકે છે અને ડ્રાઇવરો અને ટ્રેન મુસાફરો માટે લાંબી મુસાફરી થઈ શકે છે. લોકોને મુસાફરી કરતી વખતે કાળજી લેવાની વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

two + fourteen =