પોલાર પ્રીત તરીકે ઓળખાતા ડર્બીના ઉપનગર સિનફિનના 33 વર્ષીય બ્રિટિશ આર્મી કેપ્ટન પ્રીત ચાંડીએ એક મહિલા દ્વારા સૌથી લાંબા કોઇના ટેકા વગર કરાયેલા સોલો પોલર સ્કીઇંગ અભિયાનનો રેકોર્ડ તોડ્યો છે અને તેઓ આ ક્રોસિંગ કરનાર પ્રથમ મહિલા બનવાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું હતું. તેમણે એન્ટાર્કટિક કિનારે આવેલા હર્ક્યુલસ ઇનલેટથી સાઉથ પોલ અને તેનાથી આગળ 868 માઇલ સ્કી કર્યું હતું. જે 2020માં જર્મન એક્સ્ટ્રીમ સ્પોર્ટસવુમન અન્જા બ્લાચા દ્વારા સ્થાપિત કરાયેલા રેકોર્ડ કરતાં દસ માઇલ વધુ છે.
માઈનસ 30 સે.માં દિવસમાં 15 કલાક સુધી સ્કીઈંગ કરતા કેપ્ટન ચાંડીની આ સિદ્ધિ હોવા છતાં તેઓ આ સીઝનનો સમય પૂરો થઈ ગયો હોવાથી નિરાશ થયા હતા.
તેમણે પોલાર પ્રીત વેબસાઇટ પર કહ્યું હતું કે “આજનો દિવસ મુશ્કેલ છે. હું ખૂબ જ અસ્વસ્થ છું કે મારી પાસે ક્રોસિંગ પૂર્ણ કરવાનો સમય નથી. હું જાણું છું કે મેં એક વિશાળ પ્રવાસ કર્યો છે, જ્યારે હું બરફ પર હોઉં ત્યારે તે મુશ્કેલ હોય છે અને મને ખબર છે કે તે બહુ દૂર નથી.”
કેપ્ટન ચાંડીએ એક વર્ષ પહેલાં સાઉથ પોલ ક્રોસ કરીને એકલ અભિયાન પૂર્ણ કરનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યા હતા.
તેઓ આ વર્ષે 75 દિવસમાં રીડી ગ્લેશિયરની 1,100 માઈલથી વધુની મુસાફરી પૂર્ણ કરવા માટે નિકળ્યા હતા પરંતુ ભારે ઠંડી અને ભારે પવનને કારણે તેઓ અટકી ગયા હતા. તેઓ રીડી ગ્લેશિયર તરફ આગળ વધવા માટે પોલ પર ખૂબ મોડી પહોંચતા તેમને પાછા વળવું પડ્યું હતું. તેઓ દરરોજ રાત્રે માત્ર પાંચ કલાક સૂતા હતા.
કેપ્ટન ચાંડી બકિંગહામશાયરના રીહેબીલીટેશન સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરે છે અને તેમને પ્રિન્સેસ ઑફ વેલ્સ દ્વારા ટેકો મળ્યો છે, જેઓ તેમના અભિયાનના પેટ્રન છે અને ફોન કરી તેણીને શુભેચ્છા પાઠવી હતી.














