લોસ એન્જલસમાં ગુરુવારે દાખલ કરવામાં આવેલા એક કેસ મુજબ, ઓસ્કાર વિજેતા જાણીતા ભૂતપૂર્વ નિર્માતા હાર્વી વેઈનસ્ટેઇન દ્વારા દસકા અગાઉ પોતાના પર દુષ્કર્મ આચરવા બદલ એક મહિલાએ તેની સામે નુકસાનીનો દાવો કર્યો છે. બીવર્લી હિલ્સની હોટલના રૂમમાં જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે મહિલા પર હુમલો કરવા બદલ વેઈનસ્ટેઇનને ગત ડિસેમ્બરમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 70 વર્ષીય હાર્વી સેક્સ ગુનાઓ માટે ન્યૂયોર્કમાં 2020માં દોષિત ઠર્યો હતો અને તે 23 વર્ષની જેલ સજા ભોગવી રહ્યો છે.
લોસ એન્જલસમાં આ મહિને કદાચ કેસની સુનાવણી થઇ શકે તેમ છે, અને તેને વધુ 18 વર્ષની જેલ થઇ થવાની સંભાવના છે. જો તેઓ આ બંને કેસમાં અપીલ કરે તો પણ “પલ્પ ફિકશન”ના નિર્માતાનું બાકીનું જીવન જેલમાં વિતે તેવી સંભાવના વધી ગઇ છે. મહિલાએ ગુરુવારે શારીરિક શોષણ, ખોટી જેલ સજા, ઇરાદાપૂર્વક લાગણીસભર તકલીફ અને બેદરકારીનો આરોપ લગાવીને હાર્વી સામે અસ્પષ્ટ નુકસાનીનો દાવો કર્યો હતો.
આ કેસમાં જણાવવામાં આવ્યું છે કે, “વેઈનસ્ટેઇને દુષ્ટ કૃત્ય કર્યું હતું, અને તે દ્વેષ, અત્યાચાર અને છેતરપિંડી સાથે કરવામાં આવ્યું હતું, આમ તેની સામે શિક્ષાત્મક નુકસાનને યોગ્ય ઠેરવવામાં આવ્યું હતું.” ન્યૂયોર્કમાં તે દોષિત ઠર્યા પછી, સિવિલ ટ્રાયલમાં ડઝનેક મહિલાઓને 17 મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવ્યું હતું, જેમણે આ ભૂતપૂર્વ પ્રોડ્યુસર પર શોષણનો આરોપ મૂક્યો હતો. જોકે, જ્યારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી મહિલા ત્યાં હાજર નહોતી.
વેઈનસ્ટેઇનના વર્તન અંગેની અફવાઓ વર્ષોથી હોલીવૂડમાં ફેલાઈ હતી, પરંતુ તે હોલીવૂડના માંધાતા હોવાથી બહુ ઓછા લોકોએ તેની સામે પડકાર ફેંક્યો હતો.
2017થી ડઝનેક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે તેઓ વેઈનસ્ટેઈનના હિંસક વર્તનનો શિકાર બની છે.













