પૂ. મોરારિબાપુ

કથા જગતના વડીલો પાસેથી મેં આ કહાની સાંભળેલી છે. ઘણા સંદર્ભોમાં આ દ્રષ્ટાંત કહેવાયું છે. એક માણસ પૂર્વ દિશા તરફ પાગલની માફક દોડતો હતો. બસ, ભાગતો જતો હતો. કોઈએ તેને પૂછ્યું કે કેમ આટલી ઝડપથી દોડે છે તેણે કહ્યું કે મને જાણવા મળ્યું છે કે તે દિશામાં હીરાની મોટી ખાણ મળી આવી છે. અને જો હું ત્યાં સમયસર પહોંચી જઈશ તો મને ખુબ બધા હીરા મફતમાં મળશે!

આટલું કહી ફરી દોડવા લાગ્યો છે. પાછો મનમાં ગણતરી કરતો જાય છે કે આટલા હીરા એકઠા કરું તો જીવનભરનું સુખ થઈ જાય! એટલામાં એવું બન્યું કે જે વેરાન જંગલમાં તે દોડતો હતો ત્યાં એક ભૂખ્યો સિંહ તેને જોઈ ગયો. એ માણસને ખાઈ જવા સિંહ પણ તેની પાછળ દોડ્યો છે.

હવે એ વ્યક્તિ માટે હીરા મેળવવા તો એક તરફ રહ્યા, જીવ કેમ બચાવવો તે પ્રશ્ન થઈ ગયો. પાછુ ફરાય તેમ પણ ન રહ્યું એથી વધુ ઝડપભેર દોડવા લાગ્યો છે. બને છે એવું કે દોડતાં દોડતાં અચાનક રસ્તો પૂરો થઈ ગયો અને તે વ્યક્તિ એક ઊંડી ખાઈ પાસે આવી ગયો. આગળ ખાઈ ને પાછળ ભૂખ્યો સિંહ!
મોત નજીક આવી રહ્યું છે અને જીવન હાથમાંથી સરકી રહ્યું છે ! ગમે તેમ તો પણ જીવ સ્વભાવ છે ને, તેણે થયું કે ખાઈમાં કુદી પડું જો જીવ બચતો હોય તો. નીચે ખીણમાં એક મદમસ્ત પાગલ હાથી ને જુવે છે ! એ પાગલ હાથી જાણે તેની પ્રતીક્ષા કરે છે!

ખાઈમાં પાગલ હાથી છે ને પાછળ ભૂખ્યો સિંહ ! એટલામાં તેણે જોયું કે નજીકમાં જ થોડે નીચે એક વૃક્ષ છે અને તેની ડાળ પર જો પહોંચી જવાય તો બચી શકાય તેમ છે. તેણે વિચાર્યું કે રાહ જોઈ જોઈને સિંહ અને હાથી બંને જતા રહેશે અને પછી તે પણ ત્યાંથી નીકળી શકશે. એકદમ ધ્યાનપૂર્વક તે પેલા વૃક્ષ પર પહોંચી ગયો છે. માંડ તેના જીવને થોડી શાતા વળે છે. હાશ, હવે વાંધો નહીં.

આજે એનું નસીબ બે ડગલાં આગળ જ છે. અચાનક તેનું ધ્યાન ગયું તો જે નાનાં વૃક્ષની ડાળ પર તે બેઠો છે તે ડાળને બે ઉંદર કાપી રહ્યા છે ! એક કળા રંગનો ઉંદર છે ને બીજો સફેદ રંગનો. ડાળ બહુ મોટી પણ ન હતી. તેને ખ્યાલ આવી ગયો કે બહુ જલ્દી ઉંદર ડાળને કાપી નાખશે. હવે મોતને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી!
ક્યારનો દોડતો હતો, ભુખ અને તરસથી વ્યાકુળ છે. ઝાડ પર તેણે એક મધપૂડો જોયો. હવે મૃત્યુ અફર છે તો લાવ બે-પાંચ મધના બિંદુઓનું પાન કરી લઉં…

બાપ ! કહાની કહે છે કે મોત બંને તરફ છે. આપણે પણ કંઈક મેળવવા દોડી રહ્યા છીએ ! ઉંદરો રાત્રી અને દિવસનું પ્રતિક છે, જે પ્રતિદિન આપણાં જીવનને કાપે છે ! એથી ભગવદ્કથા રૂપી અમૃતનું પાન કરી લો, સત્સંગનું પાન કરી લો. પરીક્ષિતની જેમ જે કથારૂપી અમૃતનું પાન કરશે તે અમર થઈ જશે. આ નવ દિવસોમાં ભગવાન રાઘવની કથાનું એવી રીતે પાન કરીએ કે પછી આપણને કોઈ બીજી ચાહ ન રહે !
સંકલન: જયદેવ માંકડ

(માનસ-ભાગવત, શુક્રતાલ,૧૯૮૮)

LEAVE A REPLY

fourteen − 9 =