Rishi Sunak Chhawaya by making a new Brexit deal
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ લંડનના વિન્ડસરમાં ફેરમોન્ટ હોટેલમાં તેમની બેઠક પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાથ મિલાવ્યા હતા. (Photo by DAN KITWOOD/POOL/AFP via Getty Images)
વડા પ્રધાન ઋષિ સુનકે સોમવાર તા. 27 ફેબ્રુઆરીના રોજ નોર્ધર્ન આયર્લૅન્ડ સાથે બ્રેક્ઝિટ પછીનાે સંબંધિત વેપાર વિવાદ ઉકેલવા માટે યુરોપિયન યુનિયન (EU) સાથે નવું ડીલ કરીને “નિર્ણાયક સફળતા” મેળવી છે. આ ડીલ હાલને તબક્કે આર્થિક વિપદાઓમાં ફસાયેલા બ્રિટન માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આ ડીલમાં મળેલી સફળતાને પગલે ઋષિ સુનકનું સ્થાન બ્રિટનના રાજકારણમાં મજબૂત બનશે અને આગામી ચૂંટણીઓ વખતે તેમને લાભ કરાવશે. વડા પ્રધાન ઋષિ સુનકે નોર્ધર્ન આયર્લૅન્ડ માટે બ્રેક્ઝિટ પછીની ટ્રેડિંગ વ્યવસ્થા પરના તેમના સોદાને “નિર્ણાયક સફળતા” ગણાવી છે. બ્રેક્ઝિટને ટેકો આપનારાઓ સહિત ઘણા કન્ઝર્વેટિવ સાંસદોએ આ નવા કરારને સમર્થન આપ્યું હતું. નોર્ધર્ન આયર્લૅન્ડમાં પાવર-શેરિંગ પુનઃસ્થાપિત કરવા માટે જેનું સમર્થન ચાવીરૂપ બનવાનું છે તે ડીયુપીએ પણ આ ડીલ વિષે જણાવ્યું હતું કે “નોંધપાત્ર પ્રગતિ” થઈ છે. પરંતુ તેમણે ચેતવણી આપી છે કે હજુ આ બાબતે ચિંતાના મુખ્ય મુદ્દાઓ ઉપસ્થિત રહે છે. ધ નેશનાલિસ્ટ સોસ્યલ ડેમોક્રેટિક એન્ડ લેબર પાર્ટી તથા એલાયન્સ પાર્ટીએ આ ડીલને આવકાર્યું છે. જો કે તે બંને પક્ષોને સ્ટ્રોમોન્ટ બ્રેક ક્લોઝ અંગે ચિંતા છે.
બીજી તરફ બ્રિટનના લેબર પક્ષે કહ્યું છે કે તે આ ડીલને ટેકો આપશે પરંતુ સરકાર વિપક્ષના મતો પર આધાર રાખવાની ઈચ્છા નથી. લેબર લીડર સર કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’આ સોદો સંપૂર્ણ નથી પરંતુ હવે તેઓ સંમત થઈ ગયા છે કે તે કાર્ય કરવા માટે આપણે બધાની જવાબદારી છે.’’
એક અઠવાડિયાની સઘન વાટાઘાટો પછી, સુનક યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે વિન્ડસરમાં વ્યક્તિગત વાટાઘાટોના અંતિમ સેટ માટે જોડાયા હતા. ડીલ ફાઇનલ થયા બાદ બંને નેતાઓએ નવા “વિન્ડસર ફ્રેમવર્ક”ની પુષ્ટિ કરવા માટે મીડિયાને સંબોધન કર્યું હતું.
આ ડીલથી અગાઉ બોરિસ જૉન્સન દ્વારા યુકેના નોર્ધર્ન આયર્લૅન્ડ અને EU સભ્ય દેશ આયર્લેન્ડ વચ્ચે હાર્ડ બોર્ડર રોકવા માટે કરાયેલાે નોર્ધર્ન આયર્લૅન્ડ પ્રોટોકોલ બદલાશે. તે પ્રોટોકોલ બિનકાર્યક્ષમ સાબિત થયો હતો અને UK તથા EU વચ્ચે ખૂબ તણાવ ઉભો થયો હતો.
સુનકે નવા ડીલની જાહેરાત કરતા પત્રકારોને જણાવ્યું હતું કે “મને જાણ કરતાં આનંદ થાય છે કે અમે હવે નિર્ણાયક સફળતા મેળવી છે. અમે સાથે મળીને મૂળ પ્રોટોકોલ બદલ્યો છે અને આજે નવા વિન્ડસર ફ્રેમવર્કની જાહેરાત કરી રહ્યા છીએ. આજનો કરાર સમગ્ર યુકેની અંદર વેપારને સરળ રીતે વહેતો કરશે અને અમારા યુનિયનમાં નોર્ધર્ન આયર્લૅન્ડના સ્થાનનું રક્ષણ તથા નોર્ધર્ન આયર્લૅન્ડના લોકોના સાર્વભૌમત્વનું રક્ષણ કરે છે. આ ડીલ આઇરિશ સમુદ્રમાં સરહદની કોઈપણ લાગણી પણ દૂર કરે છે. યુકેની સંસદ યોગ્ય સમયે આ કરાર પર મત મેળવશે પરંતુ સાંસદોને વિગતવાર વિચારણા કરવાની તકની જરૂર છે.’’
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સુનકના આશાવાદનો પડઘો પાડતા કહ્યું હતું કે ‘’યુકે અને ઇયુ હવે તેમના બ્રેક્ઝિટ પછીના સંબંધોમાં એક નવો અધ્યાય ખોલી શકે છે. તેમણે મોટા પગલાંઓની વિગતવાર જાહેરાત કરતા કહ્યું હતું કે ‘’નોર્ધર્ન આયર્લેન્ડને નિર્ધારિત માલસામાન પહોંચાડવા અને વેપાર કરવા માટે “ગ્રીન લેન”ની રચના કરાશે. જ્યારે EU તરફના વેપાર માટે અલગ “રેડ લેન” આરક્ષિત કરાશે. અમે એવી પરિસ્થિતિનો અંત લાવીશું જે અંતર્ગત યુકેના નિયમો અનુસાર ખોરાક નોર્ધર્ન આયર્લૅન્ડમાં મોકલી અને વેચી શકાતો ન હતો. આનો અર્થ એ થયો કે જો ગ્રેટ બ્રિટનમાં સુપરમાર્કેટની શેલ્ફ પર ખોરાક ઉપલબ્ધ હશે તો તે નોર્ધર્ન આયર્લૅન્ડના સુપરમાર્કેટમાં પણ ઉપલબ્ધ થશે.”
સમગ્ર યુકે માટે નિર્ણાયક VAT અને આબકારી ફેરફારો કરી શકાય તેની ખાતરી કરવા નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકોલના કાયદાકીય ટેક્સ્ટમાં સુધારો કરાયો છે.
આ ફેરફારો પર સ્ટોર્મોન્ટમાં આઇરિશ સંસદમાં પણ અભિપ્રાય અપાશે. સુનકે જણાવ્યું હતું કે “આ વાટાઘાટો સરળ નહોતી, પરંતુ હું આગળના નવા માર્ગની સંભાવનાને માન્યતા આપવા માટેના તેમના વિઝન માટે ઉર્સુલાની વ્યક્તિગત રીતે સરાહના કરવા માંગુ છું. આજની સમજૂતી એ નાજુક સંતુલન જાળવવા અને નોર્ધર્ન આયર્લૅન્ડના લોકો માટે આગળનો નવો માર્ગ નક્કી કરવા વિશે છે.” આ ડીલ પછી સુનક સામે હવે નોર્ધર્ન આયર્લૅન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP)ને નવા વિન્ડસર ફ્રેમવર્ક માટે સંમત કરવાનો મુશ્કેલ પડકાર છે.

LEAVE A REPLY

thirteen + 9 =