ડાંગ જિલ્લાના આહવા ખાતે તાજેતરમાં પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળો યોજાયો હતો, જેનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરાવ્યો હતો.
અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા દેશ-વિદેશના મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું.
ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલે આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો. રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે ડાંગના માજી રાજવીશ્રીઓનું સન્માન કરાયું હતું. રાજભવન વતી પણ વિશેષ મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલશ્રીએ તેમનું અદકેરૂ સન્માન કર્યુ હતું. પ્રત્યુત્તરમાં ડાંગના રાજવીશ્રીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી રાજ્યપાલશ્રીને ધનુષ-બાણ અર્પણ કરી અને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું.
રાજવીશ્રીઓને પોલિટિકલ પેંશન સહિત પરંપરાગત પાન સોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.
ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમાં નિકળેલી રાજવીશ્રીઓની સવારી દરમિયાન  તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યું હતું.
રાજકીય સાલિયાણું
સને ૨૦૨૩ના ડાંગ દરબાર સાથે ડાંગના પાંચ રાજવીશ્રીઓ (૧) શ્રી કિરણસિંહ યશવંતસિંહ (ગાઢવી રાજ) ને વાર્ષિક રૂ.૨,૩૨,૬૫૦/-, (૨) શ્રી છત્રસિંગ ભવરસિંગ (આમાલા રાજ) ને વાર્ષિક રૂ.૧,૭૫,૬૬૬/-, (૩) શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા રાજ) ને રૂ.૧,૪૭,૫૫૩/-, (૪) શ્રી તપતરાવ આનંદરાવ પવાર (દહેર રાજ) ને રૂ.૧,૫૮,૩૮૬/- તથા (૫) શ્રી ત્રિકમરાવ સાહેબરાવ (પીંપરી રાજ) ને રૂ.૧,૯૧,૨૪૬/- સહિત નવ નાયકો અને ૪૪૩ ભાઉબંધોને કુલ વાર્ષિક રૂ.૬૩,૩૪,૦૭૩ મળી, કુલ રૂપિયા ૭૨ લાખ, ૩૯ હજાર, ૫૭૪નું પોલિટિકલ પેન્શન એનાયત થઈ રહ્યું છે.

            












