યુકેમાં 110,000 પુખ્ત વયના લોકોના ડેટાનો ઉપયોગ કરીને કિંગ્સ કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાયું હતું કે ડિપ્રેશન સહિતની માનસિક બિમારીઓ ધરાવતા લોકો ઝડપથી વૃદ્ધ થાય છે અને નાની ઉંમરે મૃત્યુ પામે છે. લાંબી માનસિક બિમારી ધરાવતા દર્દીઓ જૈવિક રીતે તેમની વાસ્તવિક ઉંમર કરતા મોટા હતા.
સંશોધકોએ 168 મેટાબોલિટ્સ લેવલો દર્શાવતા લોહીના નમૂનાઓ તપાસ્યા હતા. જે ઉંમરની આગાહી કરી શકે છે. આ ડેટાની સરખામણી GP અને હોસ્પિટલના રેકોર્ડ્સ સાથે કરવામાં આવી હતી.
ડિપ્રેશન, બોયપોલર ડિસઓર્ડર અથવા એન્ક્ઝાઇટી ધરાવતા લોકોની બોયાલોજિકલ પ્રોફાઇલ અપેક્ષા કરતાં જૂની હતી. ઉદાહરણ તરીકે, બાયપોલર ડિસઓર્ડર ધરાવતા લોકોમાં બ્લડ માર્કર્સ હતા જે દર્શાવે છે કે તેઓ તેમની વાસ્તવિક ઉંમર કરતા લગભગ બે વર્ષ મોટા હતા. જે દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો નબળુ શારીરિક સ્વાસ્થ્ય અને ટૂંકા જીવનનું વલણ ધરાવે છે.
હૃદય રોગ અને ડાયાબિટીસ ધરાવતા લોકો પણ વય સાથે શારીરિક નબળાઈઓનું વધુ જોખમ ધરાવે છે અને સરેરાશ નાની ઉંમરે મૃત્યુ પામે છે. એનએચએસ ડેટા સૂચવે છે કે ઈંગ્લેન્ડમાં છમાંથી એક પુખ્ત વ્યક્તિ ડિપ્રેશન અથવા ચિંતા જેવી સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાય છે.
ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલ 2019 ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માનસિક બિમારીઓ ધરાવતા પુરુષો સામાન્ય વસ્તી કરતા દસ વર્ષ વહેલા મૃત્યુ પામ્યા હતા, અને સ્ત્રીઓ સાત વર્ષ વહેલા મૃત્યુ પામ્યા હતા.