લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)માં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે કેમ્પસમાં ભારત વિરોધી નિવેદનો અને હિન્દુફોબિયાને કારણે તેને વ્યક્તિગત અને ટાર્ગેટેડ હુમલાનો શિકાર બનવું પડે છે. ગુરુગ્રામના રહેવાસી કરણ કટારિયાએ દાવો કર્યો હતો કે ભારતીય અને હિન્દુ ઓળખને કારણે તેને આ સ્કૂલની વિદ્યાર્થી યુનિયનના મહામંત્રીની ઉમેદવારી માટે ગેરલાયક જાહેર કરાયો છે. કટારિયાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં LSEમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ અભ્યાસ શરૂ કર્યો ત્યારે મને વિદ્યાર્થીઓ કલ્યાણ માટેના મારા જુસ્સાને આગળ વધારવાની અને સાકાર કરવાની આશા હતી. પરંતુ ભારતીય અને હિન્દુ ઓળખને કારણે મારી વિરુદ્ધ ઈરાદાપૂર્વક ઝુંબે ચલાવવામાં આવી હોવાથી મારા સપના તૂટી ગયા છે.
કટારિયા થોડા સમય માટે નેશનલ યુનિયન ફોર સ્ટુડન્ટ્સના પ્રતિનિધિ તરીકે પણ ચૂંટાયાં હતાં અને LSESUના જનરલ સેક્રેટરીના પદ માટે ચૂંટણી લડવા માટે તેમના સાથીઓએ પ્રેરિત કર્યા હતા. કટારિયાએ જણાવ્યું હતું કે કમનસીબે કેટલાક લોકો ભારતીય-હિન્દુને LSESUનું નેતૃત્વ કરતા જોઈ શક્યા નહીં અને મારા ચારિત્ર્ય અને ઓળખને બદનામ કરવાનો સહારો લીધો હતો. તમામ દેશોના વિદ્યાર્થીઓ તરફથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત કરવા છતાં તેમને LSESU ના જનરલ સેક્રેટરીની ચૂંટણીમાંથી ગેરલાયક ઠેરવવાયા હતા. તેમની સામે ઘણી ફરિયાદો થઈ હતી અને તેમની સામે હોમોફોબિક, ઇસ્લામોફોબિક, ક્વિઅરફોબિક અને હિંદુ રાષ્ટ્રવાદી હોવાના આક્ષેપો કરાયા હતા. કટારિયાએ જણાવ્યું હતું કે આવા દુષ્પ્રચાર કરનારાને ઓળખવા અને સજા કરવાને બદલે LSESU એ મારી વિરુદ્ધ કોઈ પુરાવા આપ્યા વિના બિનલોકશાહી ઢબે મારી ઉમેદવારી રદ કરી હતી. મતદાનના અગાઉના દિવસે ભારતીય વિદ્યાર્થીઓને તેમની રાષ્ટ્રીયતા અને હિન્દુ ઓળખને કારણે ધમકાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ LSESUએ અસામાજિક તત્વો સામે કોઇ પગલાં લીધા ન હતા.

LEAVE A REPLY

2 × three =