ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે આ સપ્તાહે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ અગાઉ આ મેચ માટે તેમજ એકંદરે ક્રિકેટ માટે પણ નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા હતા, જેમાંનો એક મહત્ત્વનો ફેરફાર એ છે કે લંડનના ઓવલ મેદાનમાં રમાનારી ફાઈનલમાં ખરાબ પ્રકાશના કારણે મેચ અટકાવવી પડે નહીં તે માટે જરૂર પડ્યે ફલડ લાઈટ્સનો પણ ઉપયોગ કરી શકાશે. તે ઉપરાંત, ફાઈનલમાં પરિણામ સંભવ બનાવવા 12મી જુન – સોમવારનો દિવસ રીઝર્વ ડે તરીકે પણ રખાયો છે, જેથી વરસાદના વિધ્ન કે એવા સંજોગોમાં પાંચ દિવસ દરમિયાન મેચમાં વિક્ષેપ ઉભો થાય અને રોજીંદા કલાકોની રમત પુરી થઈ શકે નહીં, તો મેચ છઠ્ઠા દિવસે પણ આગળ ધપાવી શકાશે.
જો કે, પાંચ દિવસની રમત પુરેપુરી નિયત સમય મુજબ રમાય અને એ સંજોગોમાં મેચનું રીઝલ્ટ ના આવે, મેચ ડ્રો રહે તો રીઝર્વ ડેનો ઉપયોગ કરી શકાશે નહીં. મેચ ડ્રો રહે કે રીઝલ્ટ ટાઈ આવે તો બન્ને ટીમને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરાશે અને ઈનામની રકમ પણ બન્નેને સરખા ભાગે વહેંચાશે. રીઝર્વ ડેનો ઉપયોગ કર્યા પછી પણ મેચ ડ્રો રહે તો બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરાશે.
ખેલાડીઓની સુરક્ષાની દ્રષ્ટિએ લેવાયેલા એક મહત્ત્વના નિર્ણયમાં બેટ્સમેન, વિકેટ કીપર તથા બેટર્સની નજીક – ક્લોઝ ઈન ફિલ્ડીંગ કરતા હોય તેવા ખેલાડીઓએ હેલમેટ ફરજીયાતપણે પહેરવાની રહેશે. બેટર્સે ફાસ્ટ બોલિંગ સામે રમતી વખતે, વિકેટ કીપરે તે વિકેટની નજીક ઉભો રહેતો હોય ત્યારે હેલ્મેટ ફરજીયાત પહેરવાની રહેશે.
કોઈ કેચ, રન આઉટ વગેરેના નિર્ણય થર્ડ અમ્પયારને રીફર કરાય ત્યારે ફિલ્ડ અમ્પયારે અત્યારસુધી પોતાનો નિર્ણય – એટલે કે સોફટ ડિસિસન થર્ડ અમ્પાયરનો આપવો પડતો હતો. હવેથી આ નિયમ બદલાયો છે અને થર્ડ અમ્પાયરને કોઈ અપીલ રીફર કરાય ત્યારે ફિલ્ડ અમ્પાયરે સોફટ ડિસિસન નહીં આપવાનું ઠરાવાયું છે. આ નિયમ તમામ આંતરરાષ્ટ્રીય મેચમાં લાગું પડશે.
આ ઉપરાંત, નો બોલ પછી ફ્રી હિટ વેળાએ પણ બેટર બોલ્ડ થઈ જાય અને તેને તક મળે તો તેનો લાભ લઈ તે રન પણ દોડી શકશે અને તે રન કુલ સ્કોરમાં ગણતરીમાં લેવાશે.