ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની ટિકિટોનું વેચાણ કર્યું હોવાના અહેવાલ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના નામની શુક્રવારની રાત્રે સત્તાવાર જાહેરાત કરી હતી. ગોહિલને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવાની સાથે તેમને દિલ્હી અને હરિયાણાના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરાયા હતા. ગોહિલના સ્થાને દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકે દિપક બાબરિયાની તાત્કાલિક અસરથી નિમણૂક કરાઈ હતી.
ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ પ્રભારી ડો. રઘુ શર્માને પણ બદલવામાં આવે તેવી શક્યતા છે. ભાવનગર અને માંડવીના પૂર્વ ધારાસભ્ય ગોહિલ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. વિધાનસભામાં સંસદીય બાબતોના જાણકાર અને સ્પષ્ટ વક્તા તરીકે તેઓ એક આગવું સ્થાન ધરાવતા હતા. ગોહિલ ૨૦૨૦માં રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા બાદ દિલ્હીના રાજકારણમાં સક્રિય છે. ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને બદલવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ હતી.