Reuters/Paul Childs

સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા છતાં ભારતીય ક્રિકેટ ટીમે ચાહકોને ફરી નિરાશ કર્યા હતા. રવિવારે (11 જુન) લંડનના ધી ઓવલ મેદાન ઉપર પુરી થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના પાંચમા અને છેલ્લા દિવસે ભારતની બીજી ઈનિંગ 234 રનમાં પુરી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાનો 209 રને જંગી વિજય થયો હતો અને ભારતે બીજીવાર પણ ફાઈનલમાં નામોશીભર્યો પરાજય વહોર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજી પણ એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી – તે આઈસીસીની તમામ સ્પર્ધાઓમાં ચેમ્પિયન બનનારી પહેલી ટીમ બની રહી હતી. 

ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું અને આ નિર્ણયથી લઈને ટીમની પસંદગીમાં રવિચન્દ્રન અશ્વિનનો સમાવેશ નહીં કરવા સહિતના સુકાની તેમજ ટીમ મેનેજમેન્ટના નિર્ણયોની ભૂતપૂર્વ ખેલાડીઓએ આકરી ટીકા પહેલેથી જ કરી હતી. આ ભૂલો ઉડીને આંખે વળગે તેવી સાબિત થઈ હતી. પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાના બે બેટર – સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડે સદીઓ ફટકારી ઓસ્ટ્રેલિયાને 469 રનનો જંગી સ્કોર ખડકવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ટ્રેવિસ હેડે 163 અને સ્મિથે 121 રન કર્યા હતા, તો વોર્નરે 43 અને વિકેટકીપર એલેક્ષ કેરીએ 48 કર્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 4, શામી અને શાર્દુલ ઠાકુરે 2-2 તથા જાડેજાએ એક વિકેટ લીધી હતી. 

જવાબમાં ભારતે કંગાળ આરંભ સાથે પહેલી ઈનિંગમાં 296 રન કર્યા હતા. એક તબક્કે તો ભારતને ફોલોઓન થવું પડે તેવી શક્યતાઓ દેખાતી હતી, ત્યારે રહાણે સાથેની ભાગીદારીમાં શાર્દુલ ઠાકુરે શાનદાર અડધી સદી ફટકારી હતી અને ફોલોઓનની નામોશીમાંથી ટીમને બચાવી હતી. પહેલી ઈનિંગમાં રોહિત શર્મા, શુભમન ગિલ, પુજારા અને કોહલી – મોખરાની હરોળના ચાર બેટર 20 રન સુધી પહોંચી શક્યા નહોતા, અજિંક્ય રહાણે સાથે પહેલા જાડેજાએ 71 રનની ભાગીદારી કરી હતી, જેમાં જાડેજાએ ઝડપી 48 રન કર્યા હતા. એ પછી રહાણે – ઠાકુરે 109 રનની ભાગીદારી કરી હતી. રહાણે કમનસીબે 89 રને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સુકાની પેટ કમિન્સે 3 વિકેટ લીધી હતી, તો સ્ટાર્ક, બોલેન્ડ અને કેમરોન ગ્રીને 2-2 તથા નાથન લાયને એક વિકેટ લીધી હતી. 

આ રીતે, પહેલી ઈનિંગમાં 173 રનની સરસાઈ ઓસ્ટ્રેલિયાને મળી હતી. બીજી ઈનિંગમાં ભારતીય બોલિંગ થોડી વધુ પ્રભાવશાળી જણાઈ હતી અને અણનમ 66 રન સાથે એલેક્ષ કેરી અડધી સદી સુધી પહોંચેલો એકમાત્ર ઓસ્ટ્રેલિયન બેટર રહ્યો હતો. કમિન્સે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 8 વિકેટે 270 રને ડીકલેર કરી હતી. આ રીતે, ભારતને વિજય માટે લગભદ દોઢ દિવસમાં 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ ભારતે બીજી ઈનિંગમાં પણ નબળો જ આરંભ કર્યો હતો અને 41 રને પહેલી, પછી 92 રને બીજી અને 93 રને ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. ગિલ ફરી નિષ્ફળ ગયો હતો, તો રોહિત પણ ખાસ સફળ રહ્યો નહોતો, પુજારાએ પણ ફરી ધબડકો વાળ્યો હતો. કોહલી અને રહાણેએ વધુ વિકેટ ગુમાવ્યા વિના ચોથા દિવસના અંતે ટીમને ત્રણ વિકેટે 164 સુધી પહોંચાડી હતી અને છેલ્લા દિવસે ભારતે 280 રન કરવાના હતા. 

પણ રવિવારની સવાર ભારત માટે નામોશીભરી રહી હતી અને ટીમે સવારના પહેલા સેશનમાં જ બાકીની સાત વિકેટ વધુ 70 રન ઉમેરીને ગુમાવી દીધી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સૌપ્રથમ સદી કરનારા ટ્રેવિસ હેડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

LEAVE A REPLY

1 × 4 =