મંગળવારે વન-ડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરાયો તે પહેલા સોમવારે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ ઉંચે અવકાશમાં કરાયું હતું. ટ્રોફી જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. એ પછી ટ્રોફી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ક્રિકેટના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. આ પ્રવાસ દ્વારા, અમે ટ્રોફીને દરેક ખૂણે ખૂણે લઈ જઈ શકીશું. ક્રિકેટ ભારતને એક કરે છે. આખો દેશ વર્લ્ડ કપને લઈને ઉત્સાહિત છે. અમે વિશ્વની 10 શ્રેષ્ઠ ટીમો વચ્ચેની કોન્ટેસ્ટનું આયોજન કરવા તૈયાર છીએ.
ICCના જણાવ્યા પ્રમાણે 27 જૂનથી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ભારત સહિત કુવૈત, બહરીન, મલેશિયા, અમેરિકા, નાઈજિરિયા, યુગાંડા, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા જેવા 18 દેશોની યાત્રા કરશે. આ દરમિયાન વિવિધ દેશોમાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી 10 લાખ પ્રશંસકોને ટ્રોફી પ્રદર્શિત કરાશે.