(ANI Photo)

ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપના કાર્યક્રમની આઈસીસીએ મંગળવારે (27 જુન) આખરે જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડની રહેશે, એ બંને ટીમો 2019 વર્લ્ડ કપની ફાઇનલ્સમાં હતી. ટુર્નામેન્ટનો આરંભ અમદાવાદમાં થશે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે રહેશે. 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત – પાકિસ્તાન ટકરાશે. 

ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે 

આ વર્લ્ડકપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. તમામ ટીમો બાકીની 9 સામે રાઉન્ડ રોબિન લીગના ધોરણે રમશે. એ પછી પોઈન્ટ્સ ટેબલ અને જરૂર પડ્યે નેટ રન રેટ વગેરેના ધોરણે ટોપ ચાર ટીમ્સ નોકાઉટ સ્ટેજમાં, સેમિ ફાઈનલમાં જશે. ભારતમાં કુલ 12 શહેરોમાં તમામ મેચ રમાશે. પાકિસ્તાને પોતાની બે મેચ ચેન્નાઈ તથા બેંગલુરૂથી અન્યત્ર શિફટ કરવાની માંગણી કરી હતી, પણ આઈસીસી અને ભારતીય ક્રિકેટ બોર્ડે તેની માંગણી નામંજુર કરી હતી. 

મંગળવારે કાર્યક્રમ જાહેર કરાયો તે પહેલા સોમવારે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ ઉંચે અવકાશમાં કરાયું હતું. ટ્રોફી જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. એ પછી ટ્રોફી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

ભારત – પાકિસ્તાન જંગ અમદાવાદમાં 15 ઓક્ટોબરે 

ટ્રોફી ટૂરના લોન્ચિંગ પ્રસંગે આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કેવર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ બાબત છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે અને અમે શક્ય તેટલા વધુ લોકોને આ ટ્રોફીની નજીક જવાની તક આપવા માંગીએ છીએ. ટ્રોફી ટૂર ભારતમાં મંગળવારથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કરી 4 સપ્ટેમ્બરે યજમાન દેશ – ભારતમાં ટ્રોફી પરત આવશે.

વર્લ્ડ કપમાં ભારતની તમામ મેચનો કાર્યક્રમ (આ તમામ મેચ ડે-નાઈટ રહેશે)

મેચ                        તારીખ                           સ્થળ

ભારત – ઓસ્ટ્રેલિયા       08-10-23                      ચેન્નાઈ

ભારત – અફઘાનિસ્તાન   11-10-23                        દિલ્હી

ભારત – પાકિસ્તાન     15-10-23                     અમદાવાદ

ભારત – બાંગલાદેશ        19-10-23                       પૂણે

ભારત – ન્યૂ ઝીલેન્ડ     22-10-23                    ધરમશાલા

ભારત – ઈંગ્લેન્ડ         29-10-23                       લખનઉ

ભારત – ક્વોલિફાયર-2    02-11-23                       મુંબઈ

ભારત – સાઉથ આફ્રિકા  05-11-23                      કોલકાતા

ભારત – ક્વોલિફાયર-1  11-11-23                        બેંગલુરુ

LEAVE A REPLY

5 × 4 =