. (ANI Photo/Mohd Zakir)

ગુજરાતમાં રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 252માંથી 218 તાલુકામાં 1થી 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો અને ઘણી નદીઓ બે કાઠે વહેંતી હતી. ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમના ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા.

પાટણ અને કચ્છ જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. કચ્છના અબડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દ્વારકાના ખંભાળિયામાં માત્ર 4 કલાકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ જૂનાગઢ અને મોરબીમાં પણ ઠેર-ઠેર વરસાદ પડ્યો હતો. પાટણનાં સાંતલપુરમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મોરબી તાલુકના ખેવારીયાથી નારણકા જવાના રસ્તે કોઝવે પરથી બાઇક લઈને પસાર થતા દંપતીનું બાઇક પાણીમાં તણાયું હતું. જેમાં પત્નીને સ્થાનિકોએ બચાવી લીધી હતી. જોકે, પતિ પાણીના વહેણમાં તણાઇ ગયો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધીમાં ધોધમાર 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાનો ફોફળ ડેમ ભારે વરસાદને કારણે છલકાઈ જતાં જામકંડોરણા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવાની સૂચના અપાઈ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમ પાસે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ નિર્ધારીત સપાટીએ ભરાઈ ગઇ હોવાથી ડેમના 6 દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ પડતાં મંગળ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગોધરા શહેરમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા. પાટણ જિલ્લામાં રવિવારે દિવસ દરમ્યાન વરસાદ વરસાદ વરસ્યો હતો. ત્યારે સાંતલપુર બાદ સિદ્ધપુરમાં બપોરે બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા સિદ્ધપુરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે રેલવે અન્ડરબ્રિજમા પણ પાણી ભરાઈ જતાં મુશ્કેલી વધી હતી.

LEAVE A REPLY

two × 1 =