(ANI Photo)

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે દેશની મુલાકાતે આવેલા બ્રિટનના તેમના સમકક્ષ સર ટિમ બરો સાથે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી અને બ્રિટનમાં ભારતીય હાઇકમિશનના અધિકારીઓને ધમકી આપતા ખાલિસ્તાની તત્વો સામે દેશનિકાલ સહિતના કડક પગલાં લેવાની તાકીદ કરી હતી.

ખાલિસ્તાની તત્વોએ બ્રિટન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના વરિષ્ઠ રાજદૂતો સામે હિંસા ભડકાવે તેવા પોસ્ટર્સ જારી કર્યાં છે, ત્યારે અજીત ડોવાલે ભારતની આ અંગેની ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે અગાઉ આ તમામ દેશોને ભારતીય રાજદૂતો અને દૂતાવાસની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી.

ડોવાલ અને ટિમ બરો વચ્ચેની બેઠકમાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક એજન્ડાની પણ ચર્ચા થઈ હતી. બંને પક્ષો ત્રાસવાદનો સામનો કરવાના તથા ઊભરતી ટેકનોલોજીમાં પરસ્પરને લાભકારી સહયોગમાં વધારો કરવાના મુદ્દે સાથે મળીને કામગીરી કરવા સંમત થયાં હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે યુકેમાં કટ્ટરવાદી તત્વો ઇન્ડિયન હાઇકમિશનના અધિકારીઓને ધમકી આપી રહ્યાં છે અને ભારતે આવા તત્વો સામે દેશનિકાલ અને કાનૂની કાર્યવાહી સહિતના કડક પગલાં લેવાનો બ્રિટન સરકારને અનુરોધ કર્યો હતો. બંને પક્ષો હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટેના સહયોગમાં વધારો કરવા સંમત થયાં હતાં. આ બેઠકમાં ત્રાસવાદ, ટેરર ફાઇનાન્સિંગ, ત્રાસવાદી કૃત્યો માટે ઇન્ટરનેટના ઉપયોગ, માદક દ્વવ્યોની ગેરકાયદેસર હેરાફેરીનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા માટે પણ સહમતી સધાઈ હતી. ભારતની મુલાકાત દરમિયાન બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરકારના બીજા વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠકો યોજશે.

LEAVE A REPLY

three × two =