જાન્યુઆરી 2018 માં ઓક્સફોર્ડશાયરના બકિંગહામ રોડ પર 30 માઇલ પ્રતિ કલાકની ઝડપની મર્યાદાથી ઓછી સ્પીડે કાર ચલાવી રહેલા કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. શાંતિ ચંદ્રને તેમની BMW i3 રેન્જ એક્સટેન્ડર કારની અડફેટે લઇ એક બાળકીને ઇજા પહોંચાડતા હાઈકોર્ટના ડેપ્યુટી જજ ડેક્સ્ટર ડાયસે તેમને ચેતવણી આપી હતી.
અંધારી અને વરસાદી સોમવારની સવારે રાહદારીઓ માટેનું ક્રોસિંગ ઓળંગી રહેલી 12 વર્ષની છોકરીને કારની ટક્કર લાગતા માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. બાળકીએ ગ્રીન લાઇટ હોવા છતાં રોડ ક્રોસ કરવાની કોશિષ કરી હતી.
ડૉ. ચંદ્રન મિલ્ટન કીન્સ, બકિંગહામશાયરમાં કામ કરવા જતા હતા ત્યારે “અતિશય, અસુરક્ષિત અને ગેરવાજબી” ઝડપે વાહન ચલાવી રહ્યા હતા અને “જોખમો અને માર્ગ વાપરનારા અન્ય લોકો પર પૂરતું ધ્યાન આપવામાં” નિષ્ફળ રહ્યા હતા અને તેઓ આ ઘટના માટે 60% જવાબદાર છે એમ જજે જણાવ્યું હતું.
છોકરીની માતાએ છોકરી વતી ડૉ. ચંદ્રન સામે નુકસાનીનો દાવો માંડ્યો હતો.