નેધરલેન્ડના દરિયાકાંઠે લગભગ 3,000 કાર લઈને જતા 199 મીટર લાંબા પનામા ખાતે રજિસ્ટર્ડ થયેલ ફ્રેમન્ટલ હાઇવે નામના માલવાહક જહાજ પર મોટી આગ ફાટી નીકળતાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું હતું અને અન્ય 20 લોકો ઘાયલ થયા હતા. ડચ કોસ્ટગાર્ડે ચેતવણી આપી હતી કે આગ ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે તેમ છે.
જર્મનીથી ઇજિપ્ત તરફ જતા આ જહાજમાં આગ લાગતા ક્રૂના કેટલાક સભ્યોને દરિયામાં કૂદવાની ફરજ પડી હતી. નેધરલેન્ડમાં આવેલા ભારતીય દૂતાવાસે એક ટ્વીટ કરી આ અંગેની જાણ કરી હતી અને મૃતકના પરિવારનો સંપર્ક સાધી મૃતદેહને ભારત પરત લઇ જવા મદદ કરી હતી. દૂતાવાસના અધિકારીઓ બાકીના 20 ઘાયલ ક્રૂ સભ્યોના સંપર્કમાં છે. તે સૌ સલામત છે અને તબીબી સારવાર મેળવી રહ્યા છે.
ડચ કોસ્ટગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 23 ક્રૂ સભ્યોને જહાજમાંથી બહાર કાઢવા માટે બચાવ બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડચ ટાપુ, એમેલેન્ડની ઉત્તરે 27 કિલોમીટર દૂર આ જહાંજ ડૂબી શકે છે. ડચ ફાયરફાઇટર આગ શરૂ થયાના લગભગ 16 કલાક પછી પણ આગ બુઝાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.