કોવેન્ટ્રીના હાજી ચૌધરી રબ નવાઝ અને તેના ભાઇ પર કોવેન્ટ્રીના ફોલ્સહિલના દરબાર એવન્યુ નજીક હિંસક હુમલો કરી તેમની હત્યા કરવા બદલ 5 હત્યારાઓને ઓછામાં ઓછી 120 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી હતી.

રબ નવાઝ તેમના નાના ભાઇ સાથે ગયા વર્ષે 2 ઓક્ટોબરના રોજ કોવેન્ટ્રીના દરબાર એવન્યુ નજીક જામીયા મસ્જિદમાં પારિવારિક મિત્રના અંતિમ સંસ્કાર પતાવી પોતાની કાર તરફ પરત જતા હતા ત્યારે હત્યારાઓએ તેમના પર છરા વડે હુમલો કર્યો હતો. તેઓ જેમ તેમ કરીને મદદ માગવા મસ્જિદની અંદર પાછા જતા હતા ત્યારે તેમની કાર પર ફરી હુમલો કરાયો હતો. જેમાં 52 વર્ષના રબ નવાઝને છાતીમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેના ભાઈને થયેલી ઇજાઓ ગંભીર ન હોવાથી તે બચી ગયો હતો.

ઘટના પછી પાંચેય હત્યારા દેશના જુદા જુદા ભાગોમાં ભાગી ગયા હતા પરંતુ પોલીસે તેમને હત્યાના નવ જ દિવસમાં પકડી લીધા હતા. વ્યાપક CCTV, મોબાઇલ ફોન રેકોર્ડ્સ અને ફોરેન્સિક્સનો ઉપયોગ કરી પોલીસે કેસ રજૂ કરતા વોરીક ક્રાઉન કોર્ટમાં સાત-અઠવાડિયાની ટ્રાયલ બાદ તેમને દોષિત ઠેરવી સજા કરાઇ હતી.

હાશમ રઝાકને હાજી ચૌધરી રબ નવાઝની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે હત્યાના પ્રયાસ અને હથિયાર રાખવા બદલ આદમ રઝાક (21, લોંગ લેન, હેલસોવેન)ને 25 વર્ષની, ફૈઝલ મોહમ્મદ (30, સાઉથ રોડ, બર્મિંગહામ)ને 27 વર્ષની, હસનિયાન રઝાક (24, લોંગ લેન, હેલસોવન)ને 26 વર્ષની, હાશમ રઝાક (23, લોંગ લેન, હેલસોવેન)ને 25 વર્ષની અને 19 વર્ષીય જેનૈદ મહમૂદ (માર્કબી રોડ, બર્મિંગહામ)ને 22 વર્ષની સજા કરવામાં આવી હતી.

હત્યારા આદમ અને હસનિયાન તો સગા ભાઇઓ છે. હત્યા કરનાર ત્રણ નવાઝના ભત્રીજા હતા જ્યારે બાકીના બે તેમના દૂરના સગા છે. વોરીક ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ બાદ જ્યુરી દ્વારા સર્વસંમતિથી દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

twenty − thirteen =