બુધવાર 2 ઓગસ્ટના રોજ, ધ ભવન લંડન ખાતે મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિથી છલકાઇ રહેલા ભાષણો વચ્ચે ભારતની આઝાદીની 77મી વર્ષગાંઠ પ્રસંગે ભારતના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સાંજની શરૂઆત ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એમ એન નંદકુમાર, MBEની પ્રાર્થનાથી થઇ હતી. ત્યારબાદ ભવન યુકેના અધ્યક્ષ શ્રી સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચનમાં આજના સમયમાં ગીતાની પ્રાસંગિકતા, તેની સાર્વત્રિક અપીલ, ઓપેનહાઇમર ફિલ્મમાં ગીતાના શ્લોકના અવકરણ વિષે વાત કરી હતી. તેમણે સમારોહના મુખ્ય મહેમાન હાઈ કમિશનર શ્રી દોરાઇસ્વામીનું સ્વાગત કરી ઉલ્લેખ કર્યો હતો કે ભવન શરૂ કરવા માટેની પ્રથમ બેઠક 1972માં હાઈ કમિશનમાં થઈ હતી.
આ પ્રસંગે હેમરસ્મિથ અને ફુલહામના મેયર કાઉન્સિલર પેટ્રિશિયા ક્વિગલીએ સભાને સંબોધિત કરી ભવનના 50 વર્ષના ભવ્ય ઈતિહાસ અને સ્થાનિક સમુદાય તેમજ બહોળા ડાયસ્પોરામાં તેના ગૌરવપૂર્ણ સ્થાન પર પ્રકાશ ફેંક્યો હતો.
લોર્ડ લૂમ્બા CBEએ સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે વાત કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઘટનાઓને ટૂંકમાં યાદ કરી હતી.
મુખ્ય પ્રવચન આપતા ભારતીય હાઈ કમિશનર H.E શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે, ‘’76 વર્ષ પહેલાં, ભારત તેની તમામ વિવિધતા સાથે લોકશાહી કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે અંગે ચિંતાઓ હતી, અને આજે તે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઊંચું ઊભું છે. દરેક લોકશાહી પોતાની જાતને અલગ રીતે વ્યક્ત કરે છે અને તેથી અન્ય કોઈની સરખામણીમાં તેનો નિર્ણય કરી શકાતો નથી. આપણે જે સ્કેલ પર ચૂંટણીઓ કરીએ છીએ અને તેમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ તે રીતે અન્ય કોઈ દેશોમાં ચૂંટણીઓ થતી નથી. ન્યાયતંત્ર પણ એક મજબૂત અને સ્વતંત્ર સંસ્થા છે.’’
તેમણે મુદ્દાઓને સમજાવવા માટે ઋગ્વેદ તેમજ મિર્ઝા ગાલિબની કવિતા ટાંકી કહ્યું હતું કે ‘’ચર્ચ બિલ્ડીંગમાં સ્થિત ભવન ખુદ આપણી સંસ્કૃતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની પરંપરાનો પુરાવો છે.
ભવન મૂળભૂત રીતે ભારત જેના માટે ઉભુ છે અને જેનું પ્રતિનિધિત્વ કરે છે તેનું યુકેમાં પ્રતિનિધિત્વ કરે છે. તે એક પ્રેરણાદાયી સંસ્થા છે જે ડાયસ્પોરા માટે મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.’’
આ પ્રસંગે તાજેતરમાં MBE એવોર્ડથી નવાજવામાં આવેલા ભવનના ડાયરેક્ટર નંદાજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સુભાનુજીએ નંદાજીના સમર્પણની પ્રશંસા કરી હતી અને ધ ભવનમાં નંદાજીની યાત્રા દર્શાવતો સ્લાઇડશો રજૂ કરાયો હતો.
ડૉ. નંદાજીએ સર્વ શ્રી દલાલ જી, માથુર જી, ડો. માર, શાંતનુ જી, જોગીન્દર જી તથા સમર્થન આપનાર તેમના પત્ની, પરિવાર, ભવનના શિક્ષકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સમગ્ર સમિતિનો આભાર વ્યક્ત કર્યો.
આભારવિધિ વાઇસ-ચેર શ્રીમતી સુરેખા મહેતા એ કરી હતી. આ પ્રસંગે ભવનના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યો રજૂ કર્યા હતા. તો રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.