(ANI Photo/Sansad TV)

લોકસભામાં બુધવારે બીજા દિવસે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપે ભારત માતાની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીના આક્ષેપો સામે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ઉગ્ર પ્રતિસાદ આપીને કોંગ્રેસ પર દેશના ભાગલા પાડવાનો આક્ષેપ કર્યો હતો. અવિશ્વાસની દરખાસ્ત પર વડાપ્રધાન મોદી ગુરુવારે જવાબ આપશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરમાં હિંસાના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે ભાજપની રાજનીતિએ રાજ્યમાં “ભારત માતાની હત્યા” કરી છે. કોંગ્રેસ નેતાએ સત્તાધારી પાર્ટીના સભ્યોને દેશદ્વોહી પણ ગણાવ્યાં હતાં. પોતાના 30 મિનિટના જુસ્સાદાર ભાષણમાં રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે મણિપુરમાં, તેઓએ (ભાજપ) હિન્દુસ્તાનની હત્યા કરી છે. તેમની રાજનીતિએ મણિપુરની, પરંતુ મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે. મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરાઈ છે.

સાંસદ પદ ફરી બહાલ કરવામાં આવ્યા પછી પ્રથમ વખત ગૃહમાં ભાષણ કરતાં કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મણિપુરને ભારતનો એક વિસ્તાર માનતા નથી. રાહુલની આ ટીપ્પણીનો સત્તાધારી ગઠબંધનના સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. તે વડાપ્રધાન ગૃહમાં ન હતા. જોકે રાહુલએ બોલવાનું ચાલુ રાખીને જણાવ્યું હતું કે મેં અગાઉ કહ્યું હતું કે ઇન્ડિયા એ લોકોનો અવાજ છે. તમે મણિપુરમાં તે અવાજને મારી નાખ્યો છે. આનો અર્થ એ થયો કે તમે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે. મણિપુરના લોકોની હત્યા કરીને તમે ભારતની હત્યા કરી છે, તમે દેશભક્ત નથી, પરંતુ દેશદ્રોહી છો. વડાપ્રધાન મણિપુર જઈ શકતા નથી, કારણ કે તેમણે ત્યાં હિન્દુસ્તાનની હત્યા કરી છે… તમે ભારત માતાના રક્ષક નથી, પરંતુ તેના હત્યારા છો.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ગૃહમાં બોલતી વખતે સંયમ રાખવા વિનંતી કરી અને ભારપૂર્વક કહ્યું કે “ભારત માતા આપણી માતા છે” સ્પીકરની શીખામણના જવાબમાં કોંગ્રેસ નેતાએ ગૃહમાં હાજર સોનિયા ગાંધી તરફ ઇશારો કરીને જણાવ્યું હતું કે “હું મણિપુરમાં મારી માતાની હત્યા વિશે વાત કરી રહ્યો છું. હું સન્માન સાથે બોલી રહ્યો છું કે તમે મણિપુરમાં મારી માતાની હત્યા કરી. મારી માતા અહીં બેઠી છે. મારી બીજી માતા ભારત માતા છે, જેની તમે મણિપુરમાં હત્યા કરી છે. જ્યાં સુધી તમે મણિપુરમાં હિંસા બંધ નહીં કરો ત્યાં સુધી તમે મારી માતાની હત્યા કરી રહ્યા છો.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર આર્મી જ મણિપુરમાં શાંતિ લાવી શકે છે, પરંતુ સરકાર તેને તૈનાત કરી રહી નથી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે રાવલ માત્ર બે લોકો મેઘનાદ અને કુંભકરણની સલાહ માનતો હતો તેમ મોદી માત્ર બે લોકો અમિત શાહ અને ગૌતમ અદાણીની વાત સાંભળે છે. રાહુલ ગાંધીએ એક વિમાનમાં એકસાથે બેઠેલા મોદી અને અદાણીનું જૂનું પોસ્ટર દર્શાવીને દાવો કર્યો કે મોદી ભારતનો અવાજ સાંભળતા નથી, પરંતુ તેમનો (અદાણી જૂથ) અવાજ સાંભળે છે. ટ્રેઝરી બેન્ચના સભ્યોએ પોસ્ટરનો વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો અને જણાવ્યું હતું કે નિયમ મુજબ ગૃહમાં પોસ્ટર લાવી શકાય નહીં. તેનાથી સ્પીકર બિરલાએ ફરીથી ગાંધીને સંયમ રાખવા અનુરોધ કર્યો હતો.

રામાણયનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે “હનુમાને લંકા બાળી ન હતી, પરંતુ રાવણના ઘમંડે લંકા બાળી હતી. રાવણને રામે નહીં, પરંતુ તેના ઘમંડે માર્યો હતો.”

ગુરુગ્રામ અને નૂહમાં તાજેતરની કોમી હિંસાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે “તમે દરેક જગ્યાએ કેરોસીન છાંટો છો. તમે મણિપુરમાં કેરોસીન છાંટ્યું અને પછી તેમાં આગ લગાવી દીધી. તમે હવે હરિયાણામાં પણ એ જ પ્રયાસ કરી રહ્યા છો. તમે દરેક જગ્યાએ દેશને સળગાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે દેશભરમાં ભારત માતાની હત્યા કરી રહ્યા છો.”

LEAVE A REPLY

20 − 2 =