મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી, પરંતુ ભાજપે આ બંને રાજ્યોમાં તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભાજપે મધ્યપ્રદેશની 39 બેઠકો અને છત્તીસગઢની 21 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ રાજ્યોમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે અને ચૂંટણીપંચે હજુ સત્તાવાર રીતે તારીખો પણ જાહેર કરી નથી. હાલમાં ભાજપ મધ્યપ્રદેશમાં સત્તા પર છે અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની સરકાર છે.
ભાજપે આ બંને રાજ્યોમાં તેના માટે નબળી ગણવામાં આવે છે તેવી બેઠકો માટે આ નિર્ણય કર્યો હતો. બંને રાજયોની યાદીમાં પાંચ-પાંચ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી છે. યાદીમાં એસસી અને એસટી માટે અનામત બેઠકોની સંખ્યા વધુ છે. આ બેઠકો પર 2018ની ચૂંટણીમાં ભાજપની પીછેહટ થઈ હતી.
ભાજપમાં છત્તીસગઢમાં કોંગ્રેસી મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ સામે તેમના ભત્રીજાને મેદાનમાં ઉતારીને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે તેના દુર્ગના સાંસદ વિજય બઘેલને પાટણ વિધાનસભા માટે ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક હાલમાં છત્તીસગઢના સીએમ પાસે છે. જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેશ બઘેલ ઊભા રહેશે તો કાકા-ભત્રીજા વચ્ચે જંગ જામશે.
બીજેપીએ તેના રાષ્ટ્રીય એસસી મોરચાના વડા લાલ સિંહ આર્યને મધ્યપ્રદેશના ગોહાડથી તેના ઉમેદવાર જાહેર કર્યા છે.
બુધવારે પાર્ટીના વડા જેપી નડ્ડાના વડપણ હેઠળ યોજાયેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યાં હતા.
છત્તીસગઢમાં ભાજપે પ્રેમનગરથી ભુલન સિંહ મારવી, ભાટગાંવથી લક્ષ્મી રાજવાડે, પ્રતાપપુર (ST)થી શકુંતલા સિંહ પોરથે, સરાઇપાલી (એસટી)થી સરલા કોસારિયા (SC), ખલ્લારીથી અલકા ચંદ્રાકર, ખુજ્જીથી ગીતા ઘાસી સાહુ અને બસ્તર (ST)માંથી મણિરામ કશ્યપને ઉમેદવાર બનાવ્યાં છે.
આટલી વહેલી તકે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો પક્ષનો નિર્ણય દર્શાવે છે કે ભાજપ પાંચ રાજ્યોની ચૂંટણીઓને ઘણુ મહત્ત્વ આપે છે. આ રાજ્યોની ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી પણ આવવાની છે. છત્તીસગઢ અને એમપી ઉપરાંત રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. આ પાંચ રાજ્યોમાંથી એકમાત્ર મધ્યપ્રદેશમાં ભાજપની સત્તા છે.
છત્તીસગઢની 2018ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 90માંથી માત્ર 15 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનો 68 બેઠકો પર વિજય થયો હતો. મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 230માંથી 109 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 114 બેઠકો મળી હતી. જોકે કોંગ્રેસમાં બળવો થતાં ભાજપે સત્તા કબજે કરી હતી.