નોર્થ ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં કામ કરતી વખતે સાત બાળકોની હત્યા અને ઓછામાં ઓછા છ બાળકોની હત્યા કરવાના પ્રયાસ બદલ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે નર્સ લ્યુસી લેટબીને સોમવારે તા. 21ના રોજ આજીવન કેદની સજા ફટકારી હતી. જસ્ટિસ જેમ્સ ગોસે 33 વર્ષની લ્યુસી જીવે ત્યાં સુધી તેને જેલમાં જ રાખવામાં આવે તે ચોક્કસ કરવા માટે સજામાંથી કોઈપણ છૂટછાટ આપવાની તમામ જોગવાઈઓ દૂર કરી હતી.
જસ્ટિસ ગોસે તેને જણાવ્યું હતું કે ‘’તેં વિશ્વાસનો સંપૂર્ણ ભંગ કરી પૂર્વચિંતન સાથે ગણતરીપૂર્વક ગુના કર્યા હતાં. તારૂ કામ બાળકોના ઉછેર અને સંભાળની સામાન્ય માનવીય વૃત્તિથી સંપૂર્ણપણે વિરુદ્ધનું હતું. તમામ નાગરિકો તબીબી અને કેર વ્યવસાયમાં કામ કરતા લોકો પર વિશ્વાસ મૂકે છે. તેં જે બાળકોને નુકસાન પહોંચાડ્યું હતું તેઓ અકાળે જન્મ્યા હતા અને કેટલાક જીવિત ન રહે તેવું જોખમ હતું. પરંતુ દરેક કિસ્સામાં તેમને મારી નાખવાના ઈરાદાથી તેં જાણી જોઈને નુકસાન પહોંચાડ્યું હતું.”
કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલ ખાતે નર્સ લ્યુસીએ 2015 અને 2016ની વચ્ચે નિયોનેટલ યુનિટમાં કરેલા ગુના અંગે ભારતીય મૂળના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન ડૉ. રવિ જયરામે વાત જાહેર કરી હતી.
લ્યુસીએ ભોગ બનેલા માતા-પિતાની વેદનામાં વધારો કરતી હોય તેમ સજા સાંભળવા કોર્ટમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો. વડા પ્રધાન ઋષિ સુનકે આ માટે નર્સને “કાયર” તરીકે વખોડી કાઢી ઉમેર્યું હતું કે સરકાર દોષિત ગુનેગારોને દોષિત જાહેર થયા પછી તેમના ગુનાનો ભોગ બનેલા લોકોનો સામનો કરવા માટે ફરજ પાડવા કાયદામાં ફેરફાર કરવાનું વિચારી રહી છે.