ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા કોઇપણ ચોક્કસ અથવા સંબંધિત માહિતી આપે તો તેની તપાસ માટે ભારત તૈયાર હોવાનું ભારપૂર્વક જણાવીને વિદેશ પ્રધાન જયશંકરે વળતો પ્રહાર કર્યો હતો કે કેનેડામાં અમારા રાજદ્વારીઓને ધમકી આપવામાં આવે છે અને કેનેડાએ ઉગ્રવાદીઓને છૂટો દોર આપ્યો છે. જસ્ટિન ટ્રુડો સરકાર રાજકીય લાભ મેળવવા માટે કેનેડામાં રહેતા ઉગ્રવાદીઓ સામે પગલાં લેવાનું ટાળે છે.
ન્યૂયોર્કમાં ફોરેન રિલેશન્સ કાઉન્સિલના એક કાર્યક્રમમાં જયશંકરે કેનેડાના આક્ષેપો પર ભારતના પ્રતિભાવ વિશે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રથમ એ કે આ ભારત સરકારની નીતિ સાથે સુસંગત નથી. બીજુ એ કે જો કેનેડા પાસે ચોક્કસ માહિતી હોય તો અમને આપે. અમે તેની તપાસ માટે તૈયાર છીએ.
પોતાના સંબોધનમાં જયશંકરે કેનેડામાં ઉગ્રવાદી તત્વોની હાજરી અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ તથા ખાસ કરીને અલગતાવાદી ચળવળો અને હિંસક ઉગ્રવાદ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી હતી. વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે કેનેડામાં રાજકીય લાભ માટે ઉગ્રવાદીઓને છૂટો દોર અપાયો છે. આનાથી ઉલટુ અમે કેનેડામાં સક્રિય સંગઠિત ક્રાઇમ લીડરશીપ અંગે કેનેડાને ઘણી માહિતી આપી છે. કેનેડાને પ્રત્યાર્પણની ઘણી વિનંતીઓ કરાઈ છે. ત્યાં આતંકવાદી નેતાઓ છે, જેમની ઓળખ કરવામાં આવી છે.