ફાઇલ ફોટો Evan Vucci/Pool via REUTERS

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લેવાની તાકીદ કરી હોવાનું મંગળવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. સૂત્રોને ટાંકીને ફાઇનાન્શિયલ ટાઇમ્સે જણાવ્યું હતું કે રાજદ્વારીઓ પાછા બોલાવી લેવા માટે નવી દિલ્હીએ 10 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી છે.

અગાઉ ભારતે કેનેડાને દેશમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવાનું કહ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતમાં કેનેડિયન રાજદ્વારી સ્ટાફનું કદ કેનેડામાં નવી દિલ્હીના સ્ટાફની સરખામણીએ ઘણુ મોટું છે અને પરસ્પર હાજરીમાં તાકાત અને રેન્કની સમાનતામાં સમાનતા હોવી જોઈએ.

નિજ્જર હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો પછી બંને દેશોના સંબધો ખરાબ થયા છે. અગાઉ આ વિવાદને પગલે બંને દેશોએ એકબીજાના એક-એક રાજદ્વારીની હકાલપટ્ટી કરી હતી. ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસિસ પણ બંધ કરી છે.

ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 ઓક્ટોબર પછી જે કેનેડિયન ડિપ્લોમેટ ભારતમાં રહેશે તેમને ડિપ્લોમેટ તરીકે મળતા વિશેષ અધિકારો બંધ કરવામાં આવશે.

હાલમાં કેનેડામાં ભારતીય મૂળના લગભગ 13 લાખ લોકો વસવાટ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબહાલમાં ભારતમાં કેનેડાના 62 ડિપ્લોમેટ હાજર છે અને ભારતે તેમાંથી 40 ડિપ્લોમેટને પરત બોલાવી લેવા કહ્યું છે. ભારતનું કહેવું છે કે કેનેડાએ નવી દિલ્હીમાં માત્ર 20થી 22 ડિપ્લોમેટ રાખવાની જરૂર છે. ભારતે 21 સપ્ટેમ્બરથી જ કેનેડિયનો માટે વિઝા સર્વિસ બંધ કરી દીધી હતી. આ ઉપરાંત કેનેડામાં વસતા ભારતીય સ્ટુડન્ટ અને બીજા લોકોને સાવધ રહેવાની સલાહ આપી હતી.

LEAVE A REPLY