મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાલિયરમા એક રોડ શો કર્યો હતો. (ANI Photo)

મહિલા અનામતમાં પણ ઓબીસી માટે અલગ અનામતની માગણી કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ જાતિના આધારે મહિલાના ભાગલા પાડવા માંગે છે અને જુઠ્ઠાણા ફેલાવે છે.

કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં ભાજપની ‘પરિવર્તન યાત્રા’ના સમાપન નિમિત્તે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને પોતે ઓબીસી વર્ગના હોવાનો ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું કે દેશનો મુખ્ય વિરોધ પક્ષ તેમની નફરત કરે છે અને કોંગ્રેસના નેતાને કોર્ટે સજા કરી હોવા છતાં તેઓ પછાત, દલિતો અને આદિવાસીઓ સાથે દુર્વ્યવહાર કરવાનું બંધ કર્યું નથી. પછાત સમુદાયનો વ્યક્તિ  વડાપ્રધાન બન્યા છે તેથી જ કોંગ્રેસ તેમને નાપસંદ કરે છે. કોંગ્રેસ માને છે કે પીએમની ખુરશી તેના માટે “અનામત” છે. કોંગ્રેસ મોદીના નામ પર સમગ્ર પછાત સમુદાયને અપમાનિત કરવામાં શરમાતી નથી.

છત્તીસગઢમાં ભાજપ મુખ્યપ્રધાન પદના કોઇ ઉમેદવાર પ્રોજેક્ટ કરશે નહીં તેવો સ્પષ્ટ સંકેત આપતા પક્ષના કાર્યકરોને જણાવ્યું હતું કે પક્ષમાં ફક્ત એક નેતા અને એક ઉમેદવાર છે, જે કમળ છે. આપણે બૂથ પર દરેક મતદારનું દિલ જીતવાનું છે. લોકોએ તમામ યોજનામાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં ફસાયેલી કોંગ્રેસ સરકારથી છુટકારો મેળવવાનો નિર્ણય કર્યો છે.

મહિલા અનામત કાયદાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે મહિલાઓ એકજૂથ રહેશે અને તેમને આશીર્વાદ આપશે. કોંગ્રેસ રોષમાં છે અને તેની ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે પક્ષને લાગે છે કે માતાઓ અને બહેનો તેમને આશીર્વાદ આપશે. આ ડરને કારણે કોંગ્રેસ નવી રમત રમી રહી છે. મહિલાઓના ભાગલા પાડવા માગે છે. કોંગ્રેસ જાણે છે કે જો મહિલાઓ એકજૂથ રહેશે તો તેમનો ખેલ ખતમ થઈ જશે. તેઓ જાતિના નામે મહિલાઓને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છે અને વિવિધ યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે.

LEAVE A REPLY

4 × 3 =