લેબર પાર્ટીએ લિવરપૂલમાં યોજાયેલી તેની વાર્ષિક કોન્ફરન્સમાં કાશ્મીરમાં કથિત હિંસા અને માનવ અધિકારોના ઉલ્લંઘન બાબતે વિરોધ વ્યક્ત કરતા પક્ષના સ્થાનિક યુનિટ અને સ્ટોક-ઓન-ટ્રેન્ટ સેન્ટ્રલ CLP દ્વારા સમર્થિત પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પ્રસ્તાવમાં ભારત, પાકિસ્તાન અને કાશ્મીરના લોકો વચ્ચેના સહયોગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોને માન્યતા આપવા અને સ્થાયી સમાધાન માટે હાકલ કરવામાં આવી હતી. જો કે, પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે પૂરતા મત મળ્યા ન હતા.
કોન્ફરન્સમાં ચર્ચા માટે પક્ષના એકમ, બર્મિંગહામ હોજ હિલ કોન્સ્ટીટ્યુઅન્સી લબર પાર્ટી (CLP) દ્વારા પ્રસ્તાવ આગળ મૂકવામાં આવ્યો હતો. જે મોશનને સ્ટોક-ઓન-ટ્રેન્ટ સેન્ટ્રલ CLP દ્વારા ટેકો મળ્યો હતો.
પ્રસ્તાવમાં જણાવાયું હતું કે “કોન્ફરન્સ આ વિવાદિત ક્ષેત્રના સંબંધમાં યુએનના તમામ ઠરાવોની નોંધ લે છે અને ભાવિ લેબર સરકારને વિનંતી કરે છે કે કાશ્મીરી લોકોના અધિકારોના સંબંધમાં યુએનના ઠરાવોની માન્યતા ચાલુ રાખે. સરકારમાં, લેબર સ્થાયી સમાધાન શોધવા અને આ સંઘર્ષનો અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરશે, આ ફક્ત ભારત અને પાકિસ્તાનને સાથે લાવી, કાશ્મીરના લોકો સાથે કામ કરીને પ્રાપ્ત થશે….અમે ક્યારેય માનવાધિકારના હનન અને લોકશાહી પરના હુમલાઓ સામે બોલવાની અમારી જવાબદારીથી દૂર રહીશું નહિં.”
સપ્ટેમ્બર 2019માં, જેરેમી કોર્બીનની નેતાગીરી વખતે લેબર કોન્ફરન્સમાં વિવાદાસ્પદ કાશ્મીર પ્રસ્તાવને લાવવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય હાઈ કમિશને લેબર સાથેના તેના વાર્ષિક રીસેપ્શનને રદ કરી કેટલાક વર્ષો માટે કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો. જો કે, હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આ વર્ષની લેબર મીટમાં હાજરી આપી હતી.
કાશ્મીર પ્રસ્તાવને 1,480 CLP મત મળ્યા હતા અને કોઈ સંલગ્ન મત ન મળતા તેના પર ચર્ચા થઈ ન હતી. હોજ હિલની લગભગ 38% વસ્તી પાકિસ્તાની મૂળની છે.