ઇન્ડિયન અમેરિકન સંસદ સભ્ય રો ખન્નાની આગેવાની હેઠળ અમેરિકી સંસદનું એક દ્વિપક્ષી પ્રતિનિધિમંડળ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ભારતની આઝાદીની ઉજવણીના સમારંભમાં હાજરી આપશે. (Photo by Chip Somodevilla/Getty Images)

ઇન્ડિયન અમેરિકન સંસદ સભ્ય રો ખન્નાની આગેવાની હેઠળ અમેરિકી સંસદનું એક દ્વિપક્ષી પ્રતિનિધિમંડળ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ભારતની આઝાદીની ઉજવણીના સમારંભમાં હાજરી આપશે. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઇન્ડિયન-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ કરશે. આ બંને સાંસદો ભારત અને ઇન્ડિયન અમેરિકનો અંગેના દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસના સહ-અધ્યક્ષ છે. ભારતમાં 15 ઓગસ્ટની ઉજવણીમાં અમેરિકાનું રાજકીય પ્રતિનિધિમંડળ સામેલ થાય તેવો કદાચ આ પ્રથમ પ્રસંગ બનશે.

કેલિફોર્નિયાના ડેમોક્રેટ સાંસદ રો ખન્ના અને ફ્લોરિડાના રીપબ્લિકન સાંસદ વોલ્ટ્ઝ ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં બીજા છ સાંસદો સામેલ હશે. તેમાં ડેબોરાહ રોસ, કેટ કેમેક, શ્રી થાનેદાર, જાસ્મીન ક્રોકેટ, રીક મેકકોર્મિક અને એડ કેસનો સમાવેશ થાય છે.

કોંગ્રેસનલ કોકસના સહ-અધ્યક્ષોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે બંને માનીએ છીએ કે અમેરિકા-ભારત સંબંધો 21મી સદીમાં નિર્ણાયક બનશે. એશિયામાં બહુધ્રુવીયતા સુનિશ્ચિત કરવામાં અને ચીનના વર્ચસ્વને નકારવામાં ભારત મુખ્ય ભાગીદાર છે. આપણે લોકશાહીના આપણા સહિયારા સ્થાપક મૂલ્યોના આધારે પ્રગતિ કરવા અને આપણી ભાગીદારીનું નિર્માણ કરવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. આ પ્રતિનિધિમંડળની મુલાકાત વધુ સહયોગ અને સહિયારા હેતુઓને આગળ વધારવાની ઐતિહાસિક તક છે.”

આ પ્રતિનિધિમંડળ 10 ઓગસ્ટના રોજ મુંબઈથી તેની મુલાકાત શરૂ કરશે. મુંબઈમાં તેઓ ઉદ્યોગપતિઓને મળશે, ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમજવાનો પ્રયાસ કરશે તથા વેસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાત લેશે તથા જાણીતી હસ્તીઓને મળશે. આ પછી તેઓ હૈદરાબાદ જશે, જ્યાં તેઓ ટાટા બોઇંગ એરોસ્પેસના પ્લાન્ટ અને એક બાયોટેક કંપનીની મુલાકાત લેશે. હૈદરાબાદની મુલાકાત પછી તેઓ નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળશે તથા ચીન સહિતના વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરશે.

ગયા મહિને અમેરિકામાં પ્રથમ ટી-20 લીગ મેજર લીગ ક્રિકેટનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત આગામી જૂનમાં ટી-20 વર્લ્ડ કપની અમેરિકાની યજમાની કરવાનું છે. તેથી આ પ્રતિનિધિમંડળ ક્રિકેટ ડિપ્લોમસીમાં પણ સામેલ થાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

ten + nine =