(ANI Photo)

લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટીના સંબંધોની ચર્ચા ચાલી રહી હતી. તેઓ  વારંવાર એકસાથે જોવા મળતા હતા. પરંતુ બન્નેમાંથી કોઈએ પણ આ સંબંધની પૃષ્ટિ નહોતી કરી. પાંચમી નવેમ્બરના રોજ અથિયા શેટ્ટીએ પોતાના 29મા જન્મદિવસની ઉજવણી કરી, અને આ જ અવસર પણ તેણે કે એલ રાહુલ સાથેના પોતાના રિલેશનશિપ પર મહોર પણ લગાવી હતી. કે એલ રાહુલે સોશિયલ મીડિયા પર અથિયા સાથેની પોતાની તસવીરો શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે અથિયા અને રાહુલ કોઈ રેસ્ટોરન્ટમાં એકસાથે બેઠા છે. કે એલ રાહુલે બે તસવીરો શેર કરી છે. કેપ્શનમાં રાહુલે લખ્યું છે કે, હેપ્પી બર્થડે માય લવ. આ સાથે જ તેણે હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. રાહુલ અને અથિયાની આ તસવીરોને સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટીએ પણ લાઈક કરી હતી. આ સિવાય તેમણે હાર્ટ ઈમોજી મૂકીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઉલ્લેખનીય છે કે લંડનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સીરિઝ દરમિયાન રાહુલે બીસીસીઆઈના ડોક્યુમેન્ટ્સમાં અથિયાનું નામ પાર્ટનર તરીકે લખાવ્યુ હતું. તે સમયથી જ તેમના રિલેશનશિપની અટકળોને વેગ મળ્યો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો અથિયા શેટ્ટીએ વર્ષ 2015માં ફિલ્મ હીરો સાથે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. ત્યારપછી વર્ષ 2017માં તેની ફિલ્મ મુબરકાં રીલિઝ થઈ હતી. ત્યારપછી વર્ષ 2019માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં તે જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો. અત્યારે અથિયા શેટ્ટીની કોઈ અપકમિંગ ફિલ્મની જાણકારી નથી.