Aatish Patel Jailed

લેસ્ટરના નાર્બોરો રોડ નજીક માઉન્ટકાસલ રોડ પર રહેતા ભૂતપૂર્વ કેર વર્કર આતિશ પોપટે છરી બતાવી 94 વર્ષના અને 76 વર્ષના ક્લાયન્ટના ઘરમાં ઘુસી જઇને લુંટ ચલાવતા તેને જજ રોબર્ટ બ્રાઉને 10 વર્ષની જેલ કરી હતી. લાઇસન્સ પર મુક્ત થવા માટે પાત્ર બને તે પહેલાં તેણે ઓછામાં ઓછા સાત વર્ષ સજા ભોગવવી પડશે.

અગાઉની મુલાકાતોને કારણે ભોગ બનેલા લોકોના ઘરમાં કેવી રીતે પ્રવેશ કરવો તે જાણતા 39 વર્ષના આતિશ પોપટે બે ભૂતપૂર્વ ક્લાયન્ટના વિશ્વાસ સાથે દગો કર્યો હતો. બુકાની બાંધેલા અને માસ્ક પહેરી મોટી છરી લઈને ઘરમાં પ્રવેશેલા આતિશે જ્યારે પૈસા સોંપવાનો આદેશ આપતા ગભરાયેલા 94 વર્ષીય પીડિતે વિચાર્યું હતું કે “હું તો સમાપ્ત જ થઈ ગયો.”

ફરિયાદી લિસા હાર્ડીએ લેસ્ટર ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે ‘’બુધવારે, 1 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે નોર્થકોટ રોડ, ક્લેરેન્ડન પાર્ક, લેસ્ટરમાં આવેલા ઘરમાં આતિશે પ્રવેશ કર્યો હતો. પીડિત વૃધ્ધ એકલા રહેતા હતા અને વૉકિંગ સ્ટીક વાપરતા હતા. તેઓ ડાઇનિંગ રૂમમાં હતા ત્યારે આરોપી આતિશે પીડિતે તેમના પહેરેલા જેકેટમાંથી આશરે £100 લુંટી બહાર નીકળતા પહેલા નજીકનો ટેલિફોન ફ્લોર પર ફેંકી દીધો હતો. એક નર્સે 20 મિનિટ પછી મુલાકાત લેતા પોલીસને જાણ કરાઇ હતી.’’

આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા આરોપી તેની સિલ્વર BMW કાર પાર્ક કરીને આવતો જણાયો હતો. પોપટની પાછળથી ધરપકડ કરાતા તેણે ગુનો કબૂલ્યો હતો. તેણે ગુરૂવાર, 1 જુલાઈના રોજ, શહેરના સ્ટોનીગેટ રોડ પર રહેતા 76 વર્ષીય ભૂતપૂર્વ ક્લાયન્ટના ઘરેથી £400 રોકડા, એક બેંક કાર્ડ, પોસ્ટ ઓફિસની સેવીંગ્સ બુક, બસ પાસ અને નવો £500નો કૅમેરા ઉપરાંત બે લેન્સની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ડોરબેલ પરના એક સીક્યુરીટી કેમેરાએ આરોપીને ખાલી હાથે પ્રવેશતો અને પછી બે બેગ સાથે જતો કેપ્ચર કર્યો હતો.

પોપટ ગયા વર્ષે સપ્ટેમ્બરથી આ વર્ષે મે વચ્ચે કેર પ્રોવિઝન કંપનીમાં નોકરી કરતો હતો.

પોપટ, જેલમાંથી વિડિયો લિંક દ્વારા કોર્ટમાં હાજર થયો હતો અને કબૂલ્યું હતું કે પોલીસે તેની તપાસ કરી ત્યારે તેના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો.