બોલિવૂડના અભિનેત્રીઓ દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનનો એનસીબી ઓફિસ ખાતેની તસવીર (PTI Photo)

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુકેસની તપાસમાં બોલીવુડનું જે ડ્રગ્સ કનેક્શન ચર્ચાના ચગડોળે ચડ્યું છે તેનાથી હિન્દી ફિલ્મ જગતમાં હાહાકાર મચી ગયો છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ સૌવિકની સૌપ્રથમ ડ્રગ્સ કેસમાં ધરપકડ થઇ હતી અને બંનેની પૂછપરછમાં જ બંનેએ કેટલાય કલાકારોના નામ લીધા હતા.

આ ઉપરાંત દીપિકા પાદુકોણ, રકુલ પ્રીતસિંહ વગેરેની વોટ્સએપ ચેટમાં પણ તેઓ ડ્રગ્સ કનેક્શનમાં સંડોવાયા હોવાનું જણાયું છે. આ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપુરનું નામ જાહેર થયું છે ત્યારથી બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન માસ મીડિયા – ટીવી ચેનલ્સ, વેબ પોર્ટલ્સની તેમજ અખબારોની હેડલાઇન બની ગયું છે. શનિવાર, 26 સપ્ટેમ્બરનો દિવસ બોલિવૂડની ત્રણ અભિનેત્રીઓ માટે ભારે દિવસ રહ્યો હતો. એક તરફ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ દીપિકા-સારા-શ્રદ્ધાની પૂછપરછ કરી હતી અને ત્રણેના મોબાઇલ પણ જપ્ત કરાયાં હતા. દીપિકા પદુકોણની પૂછપરછ અંદાજે 6 કલાક ચાલી હતી. એવું કહેવાય છે કે દીપિકા પૂછપરછ દરમ્યાન ત્રણ વાર રડી પડી હતી.

એ દરમિયાન NCBના અધિકારીઓએ તેને ઈમોશનલ કાર્ડ પ્લે નહીં કરવાની સલાહ આપી હોવાનું પણ મનાય છે. રીપોર્ટ્સ મુજબ NCBની પૂછપરછમાં દીપિકા પાદુકોણેએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી હતી, પણ પોતે ડ્રગ્સ લેતી હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો. દીપિકાએ NCBને જણાવ્યું કે તેનું આખું ગ્રુપ ડૂબ લે છે તે એક ખાસ પ્રકારની સિગરેટ છે. તેમાં ઘણા પ્રકારની વસ્તુઓ ભરવામાં આવે છે. શનિવારે NCBએ દીપિકા સિવાય સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરી હતી. તેના એક દિવસ પહેલાં એજન્સીએ રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરી હતી. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર એમ. એ. જૈનનું કહેવું છે કે પૂછપરછમાં તેમણે જેટલા પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે તે કોર્ટમાં સબમિટ કરાશે. તેમના જણાવ્યા મુજબ, ડ્રગ્સ એન્ગલમાં અત્યારસુધી 18-19 લોકોની ધરપકડ થઇ ચૂકી છે.

NCBએ ટેલેન્ટ મેનેજર જયા સહા અને ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાના ફોન પણ જપ્ત કર્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. ડ્રગ્સ કનેકશનમાં દીપિકા પાદુકોણેનું જાહેર થયા પછી માંધાતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપિકાની કારકિર્દી ઉપર એની અસર પડે તેવી શક્યતા છે. હાલ હિંદી સિનેમા તથા મોડેલિંગ, બ્રાંડ એન્ડોર્સમેન્ટમાં દીપિકાના નામે લગભગ રૂપિયા ૬૦૦ કરોડનું રોકાણ થયાના અંદાજો છે. તેમાં બે ફિલ્મો અને ૩૩ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો સમાવેશ થાય છે.

દીપિકા પાસે પ્રોડયુસર મધુ મન્ટેનાની એક ફિલ્મ છે જેની કોસ્ટ લગભગ રૂપિયા ૨૦૦ કરોડ આંકવામાં આવે છે. આ ઉપરાંત દિગ્દર્શક શકુન બત્રાની એક ફિલ્મમાં રૂપિયા ૮૦-૯૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. તેની પાસે લગભગ રૂપિયા ૩૦૦ કરોડની વેલ્યુના ૩૩ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.