અમદાવાદથી આશરે 40 કિમી દૂર આવેલી ઐતિહાસિક અડાલજની વાવ(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

પ્રવાસીઓને આકર્ષવાના હેતુ સાથે ગાંધીનગર પાસે આવેલી પ્રસિદ્ધ અડાલજની વાવ પાસે રૂ.15 કરોડના ખર્ચે થીમ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન તરફથી ટેન્ડર પણ જારી કરી દેવામાં આવ્યું છે.

વાવનો ઐતિહાસિક વારસો જળવાઇ રહે તે માટે આ સ્થળે મ્યુઝીયમ સહિતના અનેક આકર્ષણોનું નિર્માણ કરાશે. થીમ બેઝ ડેવલપમેન્ટમાં વન્ડર્સ ઓફ વોટર, માર્કેટ, ક્રાફ્ટ બજાર, હોટલ, રેસ્ટોરન્ટ, ગેમિંગ ઝોન, રાઇડ્સ અને મનોરંજનના સાધનોનો સમાવેશ થાય છે.

ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અડાલજ પાસે આવેલી ટુરિઝમ કોર્પોરેશનની જમીન પૈકી 23500 ચોરસફુટ વિસ્તારમાં આ થીમ પાર્ક બનશે. પીપીપીના ધોરણે તૈયાર થનારા આ પાર્ક માટે ટુરિઝમ કોર્પોરેશન 30 વર્ષની લીઝ પર જમીન આપશે અને પ્રોજેક્ટમાં પસંદ થયેલી કંપનીએ 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે.

1499ની સાલમાં અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું તેથી આ વાવને અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવ કહેવામાં આવે છે. આ વાવ ચૂનાના પથ્થરથી નિર્મિત હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક નમૂનો છે.