તમામ લિસ્ટેડ કંપનીઓના બોર્ડમાં ઓછામાં ઓછી 40 ટકા મહિલા હોવી જોઇએ અને તેમાં ઓછામાં ઓછા એક અશ્વેત એથનિક માઇનોરિટી ડિરેક્ટર હોવા જોઇએ, એમ ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ જણાવ્યું છે.

આ દરખાસ્તો કંપનીઓના બોર્ડમાં ડાઇવર્સિટીમાં વધારો કરવાની સ્વૈચ્છિત પહેલ આધારિત છે.તેનાથી કંપનીઓએ વધુ મહિલાઓને સામેલ કરવી પડશે. બ્રિટનની ટોચની 350 લિસ્ટેડ કંપનીઓએ તેમના બોર્ડમાં 33 ટકા મહિલાઓના લક્ષ્યાંકને મહદઅંશે હાંસલ કર્યો છે, પરંતુ FTSE-100 ઈન્ડેક્સની દરેક કંપનીઓના બોર્ડમાં 2021 સુધી ઓછામાં ઓછા એક અશ્વેત ડિરેક્ટર રાખવાના લક્ષ્યાંકમાં ઉણી ઉતરી છે.

તમામ પ્રકારની કંપનીઓ માટે લિસ્ટિંગના નિયમો ઘડતી આ ઓથોરિટીએ એવી પણ દરખાસ્ત કરી છે કે કંપનીના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જેવો ઓછામાં ઓછો એક સિનિયર હોદ્દો મહિલાને મળવો જોઇએ.

FCAના લિસ્ટિંગ નિયમો જાહેર વિચારવિમર્શ બાદ આ વર્ષના અંત ભાગમાં અમલી બનવાની ધારણા છે. તેનાથી આશરે 1,106 કંપનીઓને અસર થશે.

રોકાણકારો એવી કંપનીઓને વધુને વધુ પસંદ કરી રહ્યાં છે કે જે પર્યાવરણીય, સામાજિક અને કોર્પોરેટ ગવર્નન્સના નિયમોનું પાલન કરતી હોય. લંડન શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓએ આ લક્ષ્યાંક હાંસલ કરવા પડશે અથવા વાર્ષિક અહેવાલમાં શેરહોલ્ડર્સ સમક્ષ તેનો ખુલાસો કરવો પડશે.

નિયમનકારી સંસ્થા સેક્યુઅલ ઓરિએન્ટેશન, ડિસએબિલિટી અને સામાજિક-આર્થિક પૂર્વભૂમિકા જેવા મુદ્દે પણ માહિતી જાહેર કરવાના નિયમો બનાવવાની તથા તેના લક્ષ્યાંક નક્કી કરવાની વિચારણા કરી રહી છે. લો ફર્મ સીએમએસના એમ્પ્લોયમેન્ટ લોઅર સારાહ ઓઝેનીએ જણાવ્યું હતું કે પાદર્શકતા તરફનું આ એક મહત્ત્વનું પગલું છે.