અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી ઈરાન સાથે લિક્વિફાઇલ પેટ્રોલિયમ ગેસ (LPG)ના બિઝનેસના મુદ્દે અમેરિકાના ન્યાય વિભાગે અદાણી ગ્રુપ સામે તપાસ ચાલુ કરી હોવાનું વોલ સ્ટ્રીટ જર્નલે તેના એક રીપોર્ટમાં જણાવ્યું હતું. જોકે અદાણી ગ્રુપે સોમવારે પ્રતિબંધોના ઉલ્લંઘન અથવા ઈરાની મૂળના લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના વેપારમાં કોઈપણ ઇરાદાપૂર્વકની સામેલગીરીનો ઇનકાર કર્યો હતો.
અદાણીના પ્રવક્તાએ એક નિવેદનમાં આ અહેવાલને પાયાવિહોણો અને ઇરાદાપૂર્વકનો ગણાવ્યો અને ઉમેર્યું હતું કે અમને આ મુદ્દે પર યુ.એસ. અધિકારીઓએ તપાસ કરી હોવાની કોઇ જાણકારી મળી નથી.
વોલ સ્ટ્રીટના અહેવાલમાં જણાવ્યાં અનુસાર ગુજરાતના મુંદ્રા અને ઈરાનના અખાત વચ્ચે ટેન્કર્સની હેરફેર જોવા મળી છે. પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારા જહાજો દ્વારા મોટાભાગે આ રૂટનો ઉપયોગ કરતો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મે મહિનામાં જણાવ્યું હતું કે, ઈરાનના ઓઈલ કે પેટ્રોકેમિકલ્સના તમામ ઉત્પાદનોની ખરીદી બંધ થવી જોઈએ. જે કોઈ દેશ કે વ્યક્તિ તેની પાસેથી ખરીદી કરશે તેની પર પ્રતિબંધો લાદવામાં આવશે. થોડાં મહિનાઓ પૂર્વે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર વીજ સપ્લાયના કોન્ટ્રાક્ટ માટે કથિત રીતે લાંચ ચૂકવવાના અને અમેરિકામાં ભંડોળ ઉભું કરવાની પ્રક્રિયા દરમિયાન ત્યાંના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો મુકવામાં આવ્યાં હતાં.
