
અમદાવાદ ખાતે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLની ફાઇનલ જોવા માટે યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક પણ આવ્યાં હતાં. સુનકે આશરે એક સદી પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસીને ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ સાથે જોડી હતી તથા IPL અને BCCIની પરિવર્તનશીલ ક્ષમતાઓની પ્રશંસા કરી હતી.
પ્રખર ક્રિકેટ પ્રેમી સુનકે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું મહત્ત્વ દર્શાવતા જણાવ્યું હતું કે આઈપીએલે ક્રિકેટને બદલી નાખ્યું છે. મને લાગે છે કે દરેક ક્રિકેટર, દરેક જગ્યાએ, હવે તેમની કારકિર્દીના કોઈક તબક્કે આઈપીએલમાં રમવા માંગે છે.
૪૫ વર્ષીય બ્રિટિશ રાજકારણીએ વિરાટ કોહલી અને તેમની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ પ્રત્યેનો પોતાનો લગાવ છુપાવ્યો ન હતો. તેમણે આઈપીએલ ટ્રોફી માટે આરસીબીને ટેકો જાહેર કર્યો હતો. અક્ષતાનો ઉલ્લેખ કરીને સુનકે જણાવ્યું હતું કે મારા લગ્ન બેંગ્લોરના એક પરિવારમાં થયા છે, તેથી RCB મારી ફેવરિટ ટીમ છે. અમે ઘણા સમય પહેલા સાથે મેચ જોવા ગયા હતાં, અને અમારા લગ્ન થયા ત્યારે અક્ષતાના માતા અને પિતાએ મને આ શર્ટ આપ્યો હતો, જે ખૂબ જ સરસ છે. હું વિરાટ કોહલીનો ખૂબ મોટો ચાહક છું. તે એક લિજન્ડ છે. મને મળેલી કિંમતી ભેટમાની એક વિરાટના હસ્તાક્ષર સાથેનું બેટ છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળી ભેટ તરીકે આ બેટ આપ્યું હતું.
