(Photo by HOSHANG HASHIMI/AFP via Getty Images)

તાલિબાન અને અફઘાન સૈનિકો વચ્ચેના ભીષણ જંગને પગલે ભારત સરકારે તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવાની મંગળવારે અપીલ કરી હતી. ભારતે મઝાર-એ-શરીફમાં સક્રિય પોતાના એકમાત્ર કોન્સ્યુલેટમાંથી પણ કર્મચારીઓ અને કેટલાક ભારતીય નાગરિકોને પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ખાસ વિમાનને મઝાર-એ-શરીફ મોકલશે.

અફઘાનિસ્તાનના છ રાજ્યો પર કબજો કરી ચૂકેલા તાલિબાની આતંકવાદીઓ હવે તઝાકિસ્તાન નજીકના અફઘાનિસ્તાનના શહેર મઝાર-એ-શરીફ સુધી પહોંચી ગયા છે. અફઘાન સેના અને તાલિબાન વચ્ચે મઝાર-એ-શરીફની બહારના વિસ્તારમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. કોન્સ્યુલેટે કહ્યું છે કે, આ વિશેષ વિમાન મંગળવાર સાંજે મઝાર-એ-શરીફથી નવી દિલ્હી જશે. ભારતીય નાગરિકોને કહેવાયું છે કે, જે લોકો નીકળવા માગે છે કે, તે પોતાની બધી ડિટેઈલ મોકલી દે. આ પહેલા ભારતે અફઘાનિસ્તાનમાં સક્રિય ઘણી કોન્સ્યુલેટમાં તૈનાત કર્મચારીઓને નીકાળી લીધા હતા. જોકે, મઝાર-એ-શરીફમાં ભારતીય હજુ પણ છે. હવે, હાલમાં શરૂ થયેલી હિંસા પછી ભારત ત્યાંથી પણ પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવી રહ્યું છે. આ દરમિયાન સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, કાબુલમાં ભારતીય એમ્બેસીમાં કર્મચારી હજુ પણ રહેશે.