આફ્રિકાના ચાર સૌથી વધુ ધનિક લોકો પાસે ખંડની અડધી વસ્તી કરતાં વધુ સંપત્તિ છે. ચેરિટી ઓક્સફામે ચેતવણી આપી છે કે અસમાન નીતિઓના પગલે ગરીબી વધુ દારૂણ બની રહી છે અને થોડા લોકોની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. ઓક્સફામના જણાવ્યા અનુસાર આફ્રિકામાં 2000માં કોઇ અબજોપતિ નહોતા, તેની સામે હાલ ત્યાં અંદાજે 23 અબજોપતિઓ છે, તેમની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં રોકેટ ગતિએ 56 ટકા જેટલી વધી છે. ઓક્સફામ આફ્રિકાના ડાયરેક્ટર ફાતીન્ઝી હસનના કહેવા મુજબ આફ્રિકાની સંપત્તિ ખૂટતી નથી બલ્કે તેને એક એવી કઠોર વ્યવસ્થા દ્વારા લૂંટવામાં આવી રહી છે જે નાના વર્ગને જંગી સંપત્તિ એકઠી કરવાની છૂટ આપે છે અને જે કરોડો લોકોને પાયાની સેવાઓ અને સુવિધોઓથી વંચિત રાખે છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે આ નીતિગત નિષ્ફળતાઓ, અન્યાયપૂર્ણ, ટાળી શકાય તેવી હતી.
1990માં આફ્રિકામાં દર દસ પૈકી એક વ્યક્તિ દારૂણ ગરીબીમાં સબડતી હતી પરંતુ આજની સ્થિતિમાં દર દસ પૈકી સાત વ્યક્તિ ગરીબીમાં સબડી રહી છે. આફ્રિકાની સરકારો પોતાના દેવાની ચૂકવણી કરવા માટે પાયાની સેવાઓ માટેના બજેટમાં કાપ મુકી રહી છે અને સાથે જ તેઓ પોતાના દેશના ધનાઢ્યો પર વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ પણ વસૂલ કરે છે.
આ લોકોમાં ચાર સૌથી શ્રીમંત આફ્રિકન લોકોની કુલ સંપત્તિ 57.4 અબજ ડૉલર છે જે આફ્રીકા ખંડની દોઢ અબજની વસ્તીની કુલ સંપત્તિ જેટલી છે. નાઇજીરીયાના એલિકો ડાંગોતે આફ્રિકાના સીમેન્ટ કિંગ તરીકે ઓળખાય છે, તેની કુલ સંપત્તિ અંદાજે $23.4 અબજ છે. તેમની પાછળ દક્ષિણ આફ્રિકાના બે અબજોપતિ – જોહાન રૂપર્ટ – લક્ઝરી ગુડ્ઝ એમ્પાયર રીચમોન્ટના માલિક છે અને તેની સંપત્તિ $14.6 અબજ મનાય છે. તેમના પછી નિકી ઓપનહેમર – ડી બીયર્સ ડાયમન્ડ્સ એમ્પાયરના વંશજ છે અને તેમની કુલ સંપત્તિ $10.5 અબજ મનાય છે. તેમના પછી ઇજિપ્તના બિઝનેસમેન નાસે સવિરિસ આફ્રિકાના ચોથા ક્રમના ધનિક છે, જેની સંપત્તિ અંદાજે $9.6 અબજ છે. ઓક્સફામે વધી રહેલી અસમાનતાઓ માટે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)ની ખેદજનક નીતિને જવાબદાર ઠેરવી છે.
