એર ઇન્ડિયાએ કેટલાંક સંચાલકીય પરિબળોને કારણે આગામી મહિનાથી દિલ્હી – વોશિંગ્ટન ડીસી વચ્ચેની તેની ડાયરેક્ટ ફલાઈટ સ્થગિત કરવાની સોમવાર, 11 ઓગસ્ટે જાહેરાત કરી હતી. એરલાઇનનું લંડન જતું 787-8 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયાના બે મહિના પછી કંપનીએ આ જાહેરાત કરી હતી.
એરલાઇન્સે જણાવ્યું હતું કે રીટ્રોફિટ પ્રોગ્રામને કારણે એર ઇન્ડિયાના ઘણા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનો હાલમાં ઉપલબ્ધ નથી. સમગ્ર રૂટ નેટવર્કની વિશ્વસનીયતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે 1 સપ્ટેમ્બરથી આ રૂટની સેવાઓ સ્થગિત કરાશે. એરલાઇને ગયા મહિને તેના 26 બોઇંગ 787-8 વિમાનોનું રિટ્રોફિટિંગ શરૂ કર્યું હતું. તેથી 2026ના અંત સુધી ઘણા વિમાનો ઉપલબ્ધ નહીં રહે. રીટ્રોફિટ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના યાત્રા અનુભવમાં નોંધપાત્ર સુધારો લાવવાનો છે. ભારત માટે પાકિસ્તાને તેની એરસ્પેસને બંધ કરી હોવાથી પણ એરલાઇનની લાંબા અંતરની ફ્લાઇટ્સને અસર થઈ રહી છે.
જે લોકોએ 1 સપ્ટેમ્બર પછીની વોશિંગ્ટન ડીસીથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ બુક કરાવી છે, તેમનો સંપર્ક કરાશે અને તેમને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા ઓફર કરાશે, જેમાં તેમની પસંદગી મુજબ અન્ય ફ્લાઇટ્સ પર ફરીથી બુકિંગ અથવા સંપૂર્ણ રીફંડનો સમાવેશ થાય છે.
જોકે મુસાફરોને એરલાઇનના ઇન્ટરલાઇન ભાગીદારો અલાસ્કા એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એર લાઇન્સ સાથે ચાર યુએસ ગેટવે – ન્યૂ યોર્ક (JFK), નેવાર્ક (EWR), શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો દ્વારા વોશિંગ્ટન ડીસી માટે વન-સ્ટોપ ફ્લાઇટ્સનો વિકલ્પ ચાલુ રહેશે.
