Dubai, Dec 1 (ANI): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઈમાં COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ગ્રીન ક્રેડિટ્સ પ્રોગ્રામના વેબ પોર્ટલના લોન્ચ દરમિયાન સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેકિન્ટો ન્યુસી અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સાથે શુભેચ્છાઓની આપ-લે કરી કરી હતી. (ANI Photo)

દુબઈમાં ગુરુવારથી શરૂ થયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP28માં પ્રથમ દિવસે મોટી સફળતા મળી હતી. આ કોન્ફરન્સમાં આબોહવા સંકટનો ભોગ બનેલા વિકાસશીલ અને ગરીબ દેશોને કેવી રીતે વળતર આપવું તે અંગે પ્રારંભિક સમજૂતી થઈ હતી. આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રવાના થયાં હતાં.

COP28ના પ્રથમ દિવસે લોસ એન્ડ ડેમેજ ફંડને કાર્યરત બનાવવા અંગેના આ કરારથી આગામી 12 દિવસોમાં કેટલાંક મહત્વાકાંક્ષી નિર્ણયો માટેનો તખતો ગોઠવાયો હતો. ગયા વર્ષે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં યોજાયેલી COP27માં સમૃદ્ધ દેશો આ ફંડની સ્થાપના માટે સંમત થયાં હતાં. જોકે ભંડોળની ફાળવણી, લાભાર્થીઓ અને વહીવટ અંગેના નિર્ણયો લેવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. દેશો વચ્ચેના મતભેદો એટલા તીવ્ર હતા કે આ મુદ્દાઓને ઉકેલવા માટે વધારાની બેઠકોની જરૂર પડી હતી.

આ મહિનાની શરૂઆતમાં કરારનો મુસદ્દો તૈયાર કરાયો હતો અને એક દિવસ પહેલા સુધારેલ કરારબહાર પાડવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ કરારમાં જણાવ્યા મુજબ આગામી ચાર વર્ષ માટે વિશ્વ બેંક આ ફંડનું સંચાલન કરશે. તેમાં વિકસિત દેશોને ફંડમાં યોગદાન આપવા જણાવ્યું હતું, પરંતુ અન્ય દેશો અને ખાનગી પક્ષો પણ યોગદાન આપી શકે છે. આબોહન પરિવર્તનથી સૌથી વધુ અસર થવાની શક્યતા છે તેવા દેશોને ફંડની ફાળવણીમાં પ્રાથમિકતા મળશે. જોકે કોઇ પણ કમ્યુનિટી કે દેશ ફંડ માટે લાયક બનશે. આ ફંડને કાર્યરત કરવાના નિર્ણય પછી તરત જ, UAE અને જર્મનીએ જાહેરાત કરી કે તેઓ પ્રત્યેક ફંડમાં 100 મિલિયન ડોલરનું યોગદાન આપશે.

LEAVE A REPLY

nineteen − seventeen =