Getty Images)

રથયાત્રા પર હાઈકોર્ટનો પ્રતિબંધઃ મંદિરના પ્રાંગણમાં જ રથ ફર્યા

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આ વર્ષે મંગળવાર, 23 જૂનના રોજ અષાઢી બીજના દિવસે કોરોનાકાળામાં નગરચર્યાએ નિકળી શકી નહીં અને સરકાર તેમજ મંદિર વહીવટી કમિટી દ્વારા લંબાણપૂર્વકની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ મંદિર પ્રાંગણમાં જ રથોને ફેરવવામાં આવ્યા હતા. દોઢ સૈકામાં પ્રથમ વખત ભગવાનના રથ મંદિરની બહાર નીકળી શક્યા નહતા.

અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજીની રથયાત્રા ફક્ત નીજ મંદિરના પરિસરમાં જ ફેરવવામાં આવ્યા. મહંત દીલિપદાસજી મહારાજ અને ખલાસીઓએ જય રણછોડ માખણ ચોર, હાથી-ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે મંદિરની અંદરના ભાગમાં જ રથની પરિક્રમા કરાવી હતી.

આ દિવસે સવારના 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સવારના 7 કલાકે ભગવાનના રથની આગળ સોનાની સાવરણી દ્વારા માર્ગ સ્વચ્છ કરીને પહિંદવિધિ કરાવી હતી અને ત્યારબાદ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ગજરાજોએ સૌપ્રથમ મંદિર પટાંગણમાં જ પ્રદક્ષીણા કરી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાને ભગવાન જગદિશનો રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું. જો કે સોમવારે મોડી રાત્રે હાઈકોર્ટના રથયાત્રા પર પ્રતિબંધના ચુકાદાથી મંદિર સંચાલકો અને ભક્તોમાં નારાજગી હતી. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંદિર સંચાલકો વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી બેઠકનો દોર ચાલ્યો હતો અને ભગવાનના રથને મંદિર બહાર લઈ જઈ મંદિરની બહાર પ્રદક્ષિણા કરવાના મુદ્દે ચર્ચા ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જો કે આખરે ભારે કશ્મકશ બાદ ભગવાનના રથને મંદિરના પટાંગણમાં જ ફેરવીને રથયાત્રા નીજ મંદિરે પરત ફરે અને જેમ રથ ગોઠવાય તે રીતે ગોઠવી દેવામાં આવ્યા હતા.મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નહીં નિકળી શકે અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ફેરફાર થયો છે. નામદાર હાઈકોર્ટના ચુકાદાને પગલે આ વર્ષે રથ ફક્ત મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યાં છે. અષાઢી બીજીના પર્વ પર કચ્છી લોકોનું નવું વર્ષ હોવાથી તેમને મુખ્યપ્રધાને શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરું છું કે મહામારીના સમયમાં તેઓ લોકોનું રક્ષણ કરી તેમાંથી ઉગારે. રાજ્યના લોકોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના. સરકારે હાઈકોર્ટમાં રથયાત્રાને શરતી મંજૂરી આપવા અરજી પણ કરી હતી.

સવારે 4 વાગ્યે કરાઈ મંગળા આરતીઃ ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના પર્વ પર સવારે ચાર કલાકે નીજ મંદિરમાં મંગળા આરતી યોજાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર બીજલબેન પટેલ પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહી ભગાવનના આર્શિવાદ મેળવ્યા હતા. જમાલપુર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી.

ત્યારબાદ 6 વાગ્યાથી ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી નંદિઘોષમાં, બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં તેમજ બલભદ્રજી તાલધ્વજમાં બિરાજમાન થયા હતા.રાત્રે બે વાગ્યા સુધી હાઈકોર્ટમાં

સુનાવણીઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાના મુદ્દે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાત હાઈકોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. હાઈકોર્ટે બે વાગ્યા સુધી ઓનલાઈન સુનાવણી કરી તમામ પક્ષોને સાંભળી અંતે ભક્તો અને લોકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરતા ગુજરાત સરકારની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યાએ નિકળવા પરનો પ્રતિબંધ યથાવત્ રખાયો હતો.રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં દલીલો રજૂ કરી હતી.

રાજ્ય સરકારે રથયાત્રાના નિયત રૂટ પર કલમ 144 સાથે કર્ફ્યૂ લાગુ કરવાની તૈયારી દર્શાવી હતી તેમજ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કરીને ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા શરતો સાથે યોજવા મંજૂરી આપી છે તે ચુકાદાનો સંદર્ભ પણ ટાંકવામાં આવ્યો હતો. જો કે હાઈકોર્ટે આ દલીલો પર ધ્યાન ના આપતા જાહેર હિતની અરજી સહિતની સાત અરજી પર સુનાવણીના અંતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો.