ગુજરાતમાં સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળ્યા ને આજે ત્રીસમાં દિવસે અત્યાર સુધીના વિક્રમી 55 પોઝિટિવ કેસ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં સૌથી વધારે કેસ હોટ સ્પોટ એવા અમદાવાદના ક્લસ્ટરમાંથી 50 કેસ શોધી કાઢવામાં અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સફળતા મળી હોવાનો સરકારનો દાવો છે.

આ વિસ્તારમાં દાણીલીમડા આસ્ટોડિયા ઘોડાસર જેવા સ્થળોનો સમાવેશ થાય છે જ્યાંથી નિઝામુદ્દીન ગયેલા અથવા એમના સંપર્કમાં આવનાર પોઝિટિવ કેસ મળ્યા છે. એટલે એમ કહી શકાય કે આ સંક્રમણ એ કારણે વધ્યું છે. આ સંભાવનાને ધ્યાને રાખી હોટ સ્પોટના ક્લસ્ટરને સીલ કરી મેગા સર્વેલન્સ અને ચેકઅપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,તેમ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે.

અન્ય હોટ સ્પોટ એવા સુરતમાંથી વધુ બે પોઝિટિવ કેસ મળ્યા છે. આ ઉપરાંત છોટાઉદેપુર અને દાહોદથી એક એક નાની બેથી ત્રણ વર્ષની બાળકીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ બન્ને કેસમાં છોટાઉદેપુરમાં બાળકીના દાદા પોઝિટિવ આવ્યા હતા એનો ચેપ લાગ્યો છે. જ્યારે દાહોદનો પરિવાર ઈન્દૌર ખાતે એક સંક્રમિતના મૃત્યુ થતાં સ્મશાને ગયા હતા.કલેકટરને એ હકીકત ધ્યાને આવતાં પરિવારને કોરન્ટીન કરાયો હતો.

બાળકીને શંકાસ્પદ લક્ષણોને લઈ ટેસ્ટ કરાયો જેમાં પોઝિટિવ આવ્યો છે. આ બન્ને કેસમાં જ તે વિસ્તારમાં કોર્ડન કરી કન્ટન્ટમેન્ટ સ્ટ્રેટેજીનો અમલ શરૂ કરાયો છે.આ ઉપરાંત આણંદમાં પોઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિને ચેપ લાગ્યો છે. આ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 241 થઈ છે. જ્યારે અમદાવાદમાં એક કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિનું કો મોર્બિડ કન્ડીશન સાથે મોત થતાં કુલ મૃત્યું આંક વધીને 17 થયો છે.