કેરળમાં કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1નો પ્રથમ કેસ નોંધાયા પછી ભારતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં બુધવાર, 20 ડિસેમ્બર સુધી સબવેરિઅન્ટ JN.1ના 21 કેસ નોંધાયા હતા, જેમાં ગોવામાં 19 તથા કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એકનો સમાવેશ થાય છે. નવા વેરિઅન્ટની વચ્ચે દેશમાં કોરોનાના કુલ નવા 614 કેસો નોંધાયા હતાં અને ત્રણના મોત થયા હતા.

કોરોનાના આ દૈનિક કેસોની સંખ્યા 21મે પછી સૌથી વધુ છે. બેંગલુરુ કોરોનાને કારણે 64 વર્ષના એક  વ્યક્તિનું પાંચ દિવસ પહેલા મોત થયું હોવાની કર્ણાટકના આરોગ્ય પ્રધાને બુધવારે માહિતી આપી હતી. જોકે આ મોત JN.1ને કારણે થયું હતું કે નહીં, તે હજુ સ્પષ્ટ થયું નથી. રાજ્યમાં કેસોમાં તાજેતરના ઉછાળા પછી આ પ્રથમ કોરોના મોત છે. તમામ ગંભીર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (SARI) કેસો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.

કોવિડ-19ના કેસોમાં વધારો અને દેશમાં નવા JN.1 વેરિઅન્ટને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ રહેવાની તાકીદ કરી હતી. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કોરોના વાયરસના ઉભરતા નવા વેરિયન્ટ સામે સાવચેત રહેવા પર ભાર મૂક્યો હતો.

મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયા હતા, જે 21મે પછી સૌથી વધુ છે. એક્ટિવ કેસ વધીને 2,311 થયા હતાં. છેલ્લાં 24 કલાકમાં કેરળમાં કોરોનાથી કુલ ત્રણ મોત થયા હતાં. આમ કોરોનો કુલ મૃત્યુઆંક વધીને આશરે 5.33 લાખ થયો હતો. કેરળમાં એક જ દિવસમાં કોરોનાના નવા 292 કેસ નોંધાયા હતાં.

મંત્રાલયની વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર બુધવારે દેશભરમાં 341 નવા કોવિડ ચેપ નોંધાયા હતા, જેમાં મોટાભાગના (292 કેસ) કેરળમાં હતા. આનાથી દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,311 થઈ હતી. હાલમાં કોરોના રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.19 ટકા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે.

કેરળ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને કર્ણાટક જેવા કેટલાક રાજ્યોમાં દૈનિક પોઝિટિવિટી રેટમાં વધારો જોવા મળ્યો છે. 92.8 ટકા કેસ હોમ આઇસોલેશનમાં હતા. કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી

LEAVE A REPLY

twenty + seven =