સ્પેનિશ ટેનિસ હીરો કાર્લોસ અલ્કારાઝે રવિવારે યુએસ ઓપનની ફાઈનલમાં ઈટાલીયન હરીફ યાનિક સિનરને બે કલાક 42 મિનિટના મેરેથોન મુકાબલામાં 6-2, 3-6, 6-1 અને 6-4થી હરાવી આ વર્ષની છેલ્લી ગ્રાંડ સ્લેમ ટુર્નામેન્ટમાં વિજેતાનો તાજ ધારણ કર્યો હતો. ન્યૂ યોર્કમાં યોજાઈ ગયેલી યુએસ ઓપનમાં સિનરને હરાવી અલ્કારાઝે તેની પાસેથી વર્લ્ડ નં. 1નો તાજ પણ આંચકી લીધો હતો. સ્પેનિશ ખેલાડી માટે આ તેનું યુએસ ઓપનનું બીજું ટાઈટલ છે. અગાઉ 2022માં તે અહીં ચેમ્પિયન બન્યો હતો.
આ વર્ષે આ બન્ને વચ્ચે ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જંગ હતો. જૂનમાં ફ્રેન્ચ ઓપનનો તાજ અલ્કારાઝના શિરે આવ્યો હતો, તો જુલાઈમાં વિમ્બલ્ડનનુ ટાઈટલ સિનરે હાંસલ કર્યું હતું.
સબાલેન્કા મહિલા ચેમ્પિયનઃ અગાઉ શનિવારે રમાયેલી મહિલા સિંગલ્સની ફાઈનલમાં અમેરિકન હરીફ આમાન્ડા અનિસિમોવાને સીધા સેટ્સમાં હરાવી બેલારૂસની આર્યાના સબાલેન્કા ચેમ્પિયન બની હતી. એક કલાક 34 મિનિટના જંગમાં સબાલેન્કાએ અનિસિમોવાને 6-3, 7-6 (3)થી હરાવી હતી. સબાલેન્કાનું આ ચોથું ગ્રાંડ સ્લેમ ટાઈટલ છે, તો યુએસ ઓપનમાં તેણે 2024માં પહેલું ટાઈટલ હાંસલ કર્યા પછી આ વખતે ડીફેન્ડ કર્યું હતું. તે બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન પણ રહી ચૂકી છે. અનિસિમોવાના નામે હજી એકપણ ગ્રાંડ સ્લેમનો તાજ નથી, આ પહેલા જુલાઈમાં તે વિમ્બલ્ડનમાં પણ ફાઈનલમાં પહોંચી હતી, પણ રનર-અપ જ રહી હતી.
ભારતના યુકી ભામ્બ્રીની સફરનો ડબલ્સની સેમિફાઈનલમાં અંતઃ યુએસ ઓપનમાં ભારતના બે જ ખેલાડીઓ પ્રગતિ સાધી શક્યા હતા. પુરૂષોમાં યુકી ભામ્બ્રી ન્યૂઝીલેન્ડના માઈકલ વિનસની સાથે પુરૂષોની ડબલ્સમાં અપેક્ષાઓ જગાવી સેમિ ફાઈનલ્સ સુધી તો પહોંચ્યો હતો, પણ ત્યાં ભારે સંઘર્ષ પછી જોડીનો 7-6 (2), 6-7 (5) અને 4-6થી છઠ્ઠા ક્રમની જોડી નીલ સ્કુપ્સ્કી – જો સેલિસબરી સામે પરાજય થયો હતો. જો કે, યુકી માટે આ પણ એક સિદ્ધિ હતી. કોઈ ગ્રાંડ સ્લેમ ડબલ્સમાં સેમિફાઈનલ સુધી પહોંચનારો તે ફક્ત છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો છે. આ અગાઉ આનંદ અમૃતરાજ, વિજય અમૃતરાજ, લીએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાના નામે આ સફળતા રહી છે.
જુનિયર મહિલા સિંગલ્સમાં માયા રાજેશ્વરન પ્રથમ રાઉન્ડમાં વિજેતાઃ તો એક વધુ નવી ઉગતી પ્રતિભા તરીકે ભારતની 16 વર્ષની માયા રાજેશ્વરન રેવતી આ ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પહોંચી હતી. તેનો બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની હન્ના ક્લુગમેન સામે પડકારજનક મુકાબલા પછી 7-6 (1), 4-6, 3-6થી પરાજય થયો હતો. પ્રથમ રાઉન્ડમાં માયાએ ચીનની ઝાંગ ક્વિઆન-વેઈને સીધા સેટ્સમાં 7-6, 6-3થી હરાવી હતી. હવે મહિલા ટેનિસમાં માયા ભારત માટે નવી આશાસ્પદ, ઉગતી પ્રતિભા ગણાય છે.
