ગુજરાતીમાં પ્રયોગાત્મક ફિલ્મો બની રહી છે અને તે સફળ પણ થઈ રહી છે. તાજેતરમાં જે ફિલ્મે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો તે વશ ફિલ્મ હતી, જે આ ફિલ્મનો પ્રથમ ભાગ છે. 2024માં વશની હિન્દી રીમેક શૈતાન પણ આવી હતી. હવે આ વશની સિક્વલ વશ લેવલ-2ના નામે તાજેતરમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મને મેકર્સ ફિલ્મ હિન્દી અને ગુજરાતી બન્ને ભાષામાં રીલિઝ કરી છે
વશ ફિલ્મમાં વાત એક પરિવારની હતી. પરિવાર પર અચાનક આવેલો કાળો પડછાયો એટલે કે પ્રતાપ ઘરની યુવાન દીકરી જાનકીને વશ કરી લે છે. પછી જાનકી પર મેલી વિદ્યા કરી તે પોતાના કામ કરાવે છે. ફિલ્મના અંતમાં જાનકીનો પિતા અથર્વ તેને બંધ કરવામાં સફળ થાય છે, પરંતુ દીકરી જાનકી પરથી તેનો પ્રભાવ ઓછો કરી શકતો નથી, જાનકી પોતાનો અલગ જ સંઘર્ષ કરી રહી છે.
આ ફિલ્મ એ જ બંગલેથી શરૂ થાય છે જ્યાં આજે પણ એટલે કે 12 વર્ષ પછી પણ પ્રતાપ કેદમાં છે અને આર્યા વશીકરણમાં. આ ફિલ્મ આગળ વધે છે કે શહેરમાં એક પ્રતાપ જેવો બીજો આવ્યો છે જેણે એકસાથે એક જ સ્કૂલની 150 વિદ્યાર્થિનીઓ પર ‘વશીકરણ’ કર્યું છે. હવે આ છોકરીઓ પર વશીકરણ કેમ કર્યું છે? તેનો મકસદ શું છે? 150 છોકરીઓ પર વશીકરણ કરનાર રાજનાથ અને પ્રતાપ વચ્ચે શું સંબંધ છે? અને શું આર્યા વશીકરણમાંથી બહાર આવે છે?? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી રહી.
આ લેવલ-2માં ડરનું લેવલ વધારવાની જવાબદારી લેખક-દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક પર છે. વશ-1 અને શૈતાન માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જોકે આ ફિલ્મમાં જાનકીનો રોલ ઘણો જ નાનો છે. તેનાં રોલને લોજિકલ બનાવવાના ચક્કરમાં તેની સ્ક્રીન સ્પેસ ઘણી ઓછી છે. અથર્વ તરીકે હિતુ કનોડિયાએ સારી ભૂમિકા ભજવી છે, ફિલ્મમાં હિતેનકુમાર પણ છે. તેઓ વશ-1માં હતા એવા જ લાગે છે. ચેતન દહીયા, મોનલ ગજ્જર, પ્રેમ ગઢવીએ આ ફિલ્મમાં અભિનય કર્યો છે.
હિતેન કુમારે આ ફિલ્મ માટે સાડા નવ કિલો વજન ઉતાર્યું છે. આ ફિલ્મમાં સાંકળે બંધાયેલા પ્રતાપના પાત્ર સાથેનો તેમનો સંબંધ, તેમનો અભિગમ આકર્ષક છે. હિતુ કનોડિયાએ આંખો અને અવાજ દ્વારા 80 ટકા અભિનય દર્શાવ્યો છે અને બાકીના વીસ ટકા તેમનું પાત્ર છે એમ કહી શકાય. મોનલ ગજ્જરે સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે તો ચેતન દૈયાએ પોલીસ અધિકારી તરીકે પોતાના અભિનયમાં ધીરજ, અકળામણ, ગુસ્સો અને વિવશતા દર્શાવી છે.
