ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના વિસ્તરણના એક દિવસ પહેલા 16 ઓક્ટોબરે તમામ 16 પ્રધાનોએ મુખ્યપ્રધાનને પોતાના રાજીનામા સુપરત કર્યા હતાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે.
વર્તમાન કેબિનેટમાં સીએમ પટેલ સહિત 17 સભ્યો છે. તેમાંથી આઠ કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે જ્યારે બાકીના રાજ્યમંત્રીઓ (MoS) છે.
અગાઉ પ્રધાનમંડળના પુનર્ગઠન-વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ હતી. નવા નિયુક્ત પ્રધાનોનો શપથગ્રહણ સમારોહ શુક્રવાર, 17ઓક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે 11:30 વાગ્યે ભાજપના વરિષ્ઠ કેન્દ્રીય નેતાઓની હાજરીમાં યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ નવા પ્રધાનોને શપથ લેવડાવશે.
સૂત્રો જણાવ્યું હતું કે આગામી બેઠક મંત્રીમંડળ વિસ્તરણ પછી જ યોજાશે. ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને બે દિવસ માટે ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવાની સંભાવના ધરાવતા ધારાસભ્યો સુધી ફોન કોલ્સ પહોંચવાનું શરૂ થયું હોવાના અહેવાલ મળ્યાં હતાં.
શપથ ગ્રહણ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુરુવારે સાંજે ગાંધીનગર પહોંચશે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા શુક્રવારે સવારે આવશે. ભાજપના આવા દિગ્ગજ નેતાઓની હાજરી સંકેત આપે છે કે કેબિનેટમાં મોટાપાયે ફેરફાર થશે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું નવી કેબિનેટની સભ્યસંખ્યા 37 હશે અને નાયબ મુખ્યપ્રધાનની પણ પસંદગી થવાની ધારણા છે.
આ કવાયતમાં 10 નવા પ્રધાનોનો સમાવેશ થવાની તથા હાલના લગભગ 50 ટકા પ્રધાનોના પત્તા કપાવાની ધારણા છે. જયેશ રાદડિયા, અર્જૂન મોઢવાણિયા, જીતુ વાઘેલા, સંગીતા પાટિલ, ગણપત વસાવા, અલ્પેશ ઠાકોર, નરેશ પટેલ જેવા નવા ચહેરાનો કેબિનેટમાં સમાવેશ થવાની ધારણા છે.
શાસક ભાજપના વરિષ્ઠ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આગામી કેબિનેટ વિસ્તરણમાં રાજ્યને લગભગ 10 નવા મંત્રીઓ મળી શકે છે આગામી કેબિનેટ વિસ્તરણ-કમ-ફેરબદલમાં હાલના લગભગ અડધા મંત્રીઓને બદલવામાં આવે તેવી શક્યતા છે. રાજ્ય મંત્રીમંડળમાં હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓનો સમાવેશ થાય છે. તેમાં આઠ કેબિનેટ-કક્ષાના મંત્રીઓ છે, જ્યારે ઘણા અન્ય રાજ્યપ્રધાનો છે. આ કવાયત ૧૮ ઓક્ટોબર પહેલા થવાની ધારણા છે.
આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારમાં રાજ્યપ્રધાન (MoS) જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલના સ્થાને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના નવા પ્રમુખ બન્યા હતાં.
ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 182 છે અને હાલની 15 ટકાની મર્યાદા મુજબ 27 પ્રધાન બનાવી શકાય છે.
