પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ન્યૂ જર્સીમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતાં ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સહિત ડઝનેક લોકો વિસ્થાપિત થયાં હતાં. જોકે આ ઘટનામાં રહેવાસીઓ કે અન્ય કોઇને ઇજાના અહેવાલ મળ્યાં ન હતાં.

સિટી પ્રવક્તા કિમ્બર્લી વોલેસ-સ્કેલસિયોને જણાવ્યું હતું કે 77 નેલ્સન એવન્યુ ખાતે એક મલ્ટિફેમિલી બિલ્ડિંગના ભોંયરામાં આગ લાગી હતી અને તે બીજા માળ સુધી અને પછી છત સુધી ફેલાઈ હતી. આગને કારણે નજીકની બિલ્ડિંગની છતને પણ નુકસાન થયું હતું.

આ ઘટના અંગે ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી. જર્સી સિટીના નેલ્સન એવન્યુ પરની ઇમારતમાં 11 ભારતીય વિદ્યાર્થીઓ અને એક દંપતી રહેતા હોવાનું માનવામાં આવે છે.

કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છીએ તથા રહેઠાણ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો સહિતની તમામ સહાય કરી રહ્યાં છીએ.

જર્સી સિટીના ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે બની હતી અને થોડા દિવસોમાં રિપોર્ટ તૈયાર કરાશે. ફાયર વિભાગે આ ઘટનાની વધુ વિગતો આપી ન હતી. અમેરિકન રેડ ક્રોસે 14 રહેવાસીઓને સહાય પૂરી પાડી હતી. એક બિલાડીને પણ બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કઢાઇ હતા અને માલિકને પરત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

18 − 16 =