FILE PHOTO: REUTERS/Pawan Kumar/File Photo

અલ્હાબાદ હાઈકોર્ટે સોમવાર, 26 ફેબ્રુઆરીએ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુ પૂજાની મંજૂરી આપવાના વારાણસી જિલ્લા અદાલતના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે “વ્યાસ તેહખાનામાં હિંદુ પૂજા ચાલુ રહેશે.” હાઇકોર્ટનો આ નિર્ણય હિન્દુ પક્ષનો મોટો કાનૂની વિજય છે. હિન્દુ પક્ષ આ સમગ્ર મસ્જિદ પર દાવો કરી રહ્યો છે.

અગાઉ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિન્દુઓને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. આ પછી 31 જાન્યુઆરીની રાત્રે જ ભોંયરામાં પૂજાનો પ્રારંભ થયો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટિએ વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ભોંયરું લાંબા સમયથી તેમના અધિકારક્ષેત્રમાં છે. આ જ્ઞાનવાપી મસ્જિદનો એક ભાગ છે અને ડીએમ સહિત વહીવટીતંત્રે ઉતાવળમાં પૂજા શરૂ કરી હતી. ભોંયરામાં પૂજા તરત જ બંધ કરી દેવી જોઈએ.

શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર જિલ્લા અદાલતે પૂજાની મંજૂરી આપી હતી. શૈલેન્દ્ર કુમાર પાઠકે દલીલ કરી હતી કે તેમના દાદા સોમનાથ વ્યાસ ડિસેમ્બર 1993 સુધી પૂજા કરતાં હતા. તેથી વારસાગત પૂજારી તરીકે, તેમને તેહખાનામાં પ્રવેશવાની અને પૂજા ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે.મસ્જિદના ભોંયરામાં ચાર ‘તેહખાના’ (ભોંયરાઓ) છે, અને તેમાંથી એક હજુ પણ વ્યાસ પરિવાર પાસે છે.

મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં પણ વિશેષ અરજી દાખલ કરીને પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો અને મુસ્લિમ પક્ષને સૌપ્રથમ હાઈકોર્ટનો સંપર્ક કરવાની તાકીદ કરી હતી.

LEAVE A REPLY

one × 2 =