2012ની અમરનાથ યાત્રાનો ફાઇલ ફોટો (Photo by Daniel Berehulak/Getty Images)

શ્રી અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડની બેઠક બાદ શનિવારે વર્ષ 2021 માટે પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે. આ વર્ષની પવિત્ર યાત્રા 56 દિવસ સુધી ચાલશે અને આ માટે શ્રદ્ધાળુઓ પહેલી એપ્રિલથી નોંધણી કરાવી શકશે. પવિત્ર અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે તૈયારી ચાલુ કરી દીધી છે.

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના નેતત્વમાં શનિવારે યોજાયેલી શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની 40મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પહેલી એપ્રિલથી પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક અને યસ બેન્કની 446 બ્રાન્ચ મારફત યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

અહીં ખાસ મુદ્દો એ છે કે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ આ પહેલી અમરનાથ યાત્રા યોજાઇ રહી છે, કારણ કે વર્ષ 2020માં કોરોના મહામારીને લીધે પવિત્ર અમરનાથ યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.

ભારત સરકાર માટે પણ આ વર્ષની અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રાથમિક મુદ્દો રહેશે, કારણ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 350ને નાબૂદ કર્યા બાદ આ પહેલી યાત્રા યોજાઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકાર પણ સુરક્ષા માટે જરુરી પ્લાન તૈયાર કરી ચૂકી છે.

3,880 મીટરની ઊંચાઈએ આવેલા પવિત્ર ગુફા માટે બાબા અમરનાથ યાત્રા માટે બે માર્ગ છે. જેમાંથી એક પહેલગામ થઇને અને બીજો સોનમર્ગ બાલટાલ થઇને પસાર થાય છે. દેશના કોઇપણ ખૂણેથી આ બંને કેન્દ્રો પર પહોંચ્યા બાદ જ અમરનાથ યાત્રાનો પગપાળા સફર શરુ થાય છે.