પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ 14 માર્ચ 2021ના રોજ નંદીગ્રામ દિવસના પ્રસંગે કોલકતામાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. (PTI Photo/Ashok Bhaumik)

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘમાસાણ ચાલે છે. નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર કથિત હુમલાની તપાસ બાદ ચૂંટણીપંચે રવિવારે જણાવ્યું હતું કે મમતા બેનર્જી પર કોઇ હુમલો થયો ન હતો પરંતું આ માત્ર એક અકસ્માત હતો. ચૂંટણીપંચે આ ઘટના બાદ કડક કાર્યવાહી કરતા મમતાનાં સિક્યોરિટી ડાયરેક્ટર વિવેક સહાયને હોદ્દા પરથી દૂર કર્યા હતા.

ચૂંટણીપંચે ઇસ્ટ મિદનાપુરનાં DM ને પણ હોદ્દા પરથી દૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ચુંટણી પંચએ આ કેસની તપાસ આગામી 15 દિવસમાં પુરી કરીને અને 31 માર્ચ સુધી ચુંટણી પંચને રિપોર્ટ આપવાનો હુકમ કર્યો હતો, તે માટે ચુંટણી પંચે પંજાબનાં પુર્વ ડિજીપી ઇન્ટેલિજન્ટ અનિલ કુમાર શર્માની મુખ્ય તપાસ અધિકારી તરીકે નિમણુક કરી હતી.
તૃણમુલ કોંગ્રેસે અગાઉ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરોએ મમતા બેનર્જી પર હુમલા કર્યો હતો, તેથી તેઓ ઘાયલ થયા હતા. જોકે ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને હાર દેખાઈ રહી છે, તેથી તે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે હુમલાનું નાટક કરે છે. હાલમાં મમતા બેનર્જી વ્હિલચેરમાં બેસીને ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.

મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. પાર્ટીના સીનિયર નેતાઓ અને સમર્થકોની ભીડની સાથે તેઓએ દક્ષિમ કોલકાતાના મેયો રોડ પર ગાંધી મૂર્તિથી રેલીનો પ્રારંભ કર્યો હતો. 1 કલાક સુધી ચાલેલા રોડ શો પછી મમતાએ હઝરામાં ચૂંટણીસભા કરી હતી.

તેમણે કહ્યું હતું કે તેઓને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ TMC માટે વ્હીલ ચેર પર જ પૂરાં પ્રદેશમાં પ્રચાર કરશે. મેં મારા જીવનમાં અનેક હુમલાઓના સામના કર્યા છે, પરંતુ ક્યારે કોઈની સામે આત્મસમર્પણ નથી કર્યું. હું ક્યારેય મારું માથું નહીં ઝુકાવું. મમતાએ કહ્યું કે ઘાયલ સિંહ વધારે ખતરનાક હોય છે.