દેશભરમાં સવર્ણ વિદ્યાર્થીઓના આક્રોશ પછી સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના જાતિગત ભેદભાવ નિવારણના નવા નિયમો પર ગુરુવારે સ્ટે મૂક્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે જણાવ્યું હતું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે. આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે.
સર્વોચ્ચ અદાલતે મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે જો તે આ મામલે હસ્તક્ષેપ નહીં કરે તો તેની ખતરનાક અસર પડશે અને સમાજમાં વિભાજન થશે. સર્વોચ્ચ અદાલતે પ્રખ્યાત ન્યાયશાસ્ત્રીઓની બનેલી સમિતિ દ્વારા નિયમોની સમીક્ષા કરવાની તાકીદ કરી હતી.
યુજીસીના નવા નિયમોમાં ‘જાતિ આધારિત ભેદભાવ’ની વ્યાખ્યા માત્ર SC, ST અને OBC સુધી મર્યાદિત રખાઈ હતી. આ નિયમોના વિરોધીઓનું કહેવું છે કે આનાથી સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ અન્યાયના કિસ્સામાં રક્ષણથી વંચિત રહી જશે અને આ નિયમો ભેદભાવ દૂર કરવાને બદલે વધારશે. વધુમાં આ ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદો કરનારા સામે સજાની જોગવાઈ હતી, જે હવે હટાવી લેવાઈ છે. તેનાથી એવી દહેશત છે કે નિર્દોષ વિદ્યાર્થીઓ કે ફેકલ્ટીને નિશાન બનાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ જાતિ-આધારિત ભેદભાવની “બિન-સમાવેશક” વ્યાખ્યા અપનાવી અને સંસ્થાકીય સુરક્ષામાંથી અમુક વર્ગના લોકોને બાકાત રાખી હોવાનો દાવો કરતી વિવિધ અરજીઓની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ નિયમોના કારણે વિવિધ સ્થળોએ ખાસ કરીને સર્વણ વર્ગના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો કર્યા હતાં અને નવા નિયમો પાછા ખેંચી લેવાની માગણી કરી હતી.













